જે બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેનું નામ હ્યુગો હીથ માવેરિક છે, માવેરિકે આ વીડિયો દ્વારા લોકોને દિવાના બનાવી દીધા છે

સિડની
સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ ક્રિકેટ વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક બોલર પોતાના સ્પિન કે ફાસ્ટ બોલથી લોકોને દિવાના બનાવી દે છે તો ક્યારેક ફિલ્ડિંગના શ્રેષ્ઠ વીડિયો લોકોને અચરજ પમાડે છે. જો કે તાજેતરમાં બેટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે દરેકને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર 3 વર્ષના ઓસ્ટ્રેલિયન બાળકની બેટિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક પછી એક બેસ્ટ શોટ રમતો જોવા મળી રહ્યો છે. આ બાળકની વિસ્ફોટક બેટિંગ અને ટેક્નિક જોઈને મોટા મોટા બેટ્સમેનો પણ ચોંકી ગયા હતા.
આ 3 વર્ષના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેમાં પહેલા તે એક પરિપક્વ બેટ્સમેનની જેમ ગાર્ડ લેતો જોવા મળે છે. ત્યારબાદ તે બોલરનો ઉધડો લેતો હોય તેમ મેદાન પર ઘણા મોટા શોટ ફટકારે છે. શોટની સાથે સાથે રન લેવામાં પણ તેની ટેકનિક દેખાઈ રહી છે. જ્યાં તે રનઆઉટથી બચવા માટે ફુલ લેન્થ ડાઈવ કરતો જોવા મળે છે. આ બાળકે વીડિયોમાં તેની અડધી સદી પણ પૂરી કરી હતી, જે બાદ તે પોતાનું બેટ ઊંચકીને અભિવાદન કરતો દેખાય છે. બેટિંગના આ શાનદાર વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતા.
જે બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનું નામ હ્યુગો હીથ માવેરિક છે. માવેરિકે આ વીડિયો દ્વારા લોકોને દિવાના બનાવી દીધા છે. યુઝર્સ હવે માવેરિકને મિની મેક્સવેલ અને બેબી ડી વિલિયર્સના નામની ઉપાધિ આપવા લાગ્યા છે. જે લોકો તેની બેટિંગ સ્કિલ્સના પ્રશંસક છે તેઓએ તો એમ પણ કહ્યું કે ભવિષ્યમાં તે પોતાના દેશ માટે બેટ વડે ભારે તબાહી મચાવતો જોવા મળશે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. જેના પર 6.34 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી હતી.