ઈશાન કિશન સામે બીસીસીઆઈ શિક્ષાત્મક પગલાં લે તેવી શક્યતા

Spread the love

ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં જમશેદપુરમાં શરૂ થયેલી અંતિમ રાઉન્ડની મેચમાં પણ ટીમનો ભાગ બન્યો ન હતો

નવી દિલ્હી

વિકેટકીપર બેટર ઈશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે અને છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાના કારણે તેનું નામ ચર્ચામાં છે. બોર્ડે તમામ ખેલાડીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેની ઈશાન કિશને ફરી એક વખત અવગણના કરતા તેનું કરિયર ખતરામાં આવી ગયું છે અને બોર્ડ તેના પર એક્શન પર લઈ શકે છે.

નોંધનીય છે કે ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં ગેરહાજરી ચાલુ છે અને તે આજે જમશેદપુરમાં શરૂ થયેલી અંતિમ રાઉન્ડની મેચમાં પણ ટીમનો ભાગ બન્યો ન હતો. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ઈશાન કિશન પર એક્શન લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બીસીસીઆઈએ ભારતીય ટીમમાં રમી રહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓએ રણજી ટીમ સાથે જોડાવા માટે કહ્યું હતું. આ માટે બોર્ડે એક નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે હવે તે આ માટે કોઈ બહાનું સહન કરશે નહીં. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે 14 ફેબ્રુઆરીએ રાજકોટ ટેસ્ટ મેચ પહેલા આની જાહેરાત કરી હતી.

જય શાહના આ મેસેજથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી ઈશાન કિશન, કૃણાલ પંડ્યા અને દીપક ચહરને પણ પોતપોતાની ઘરેલું ટીમ સાથે જોડાવાનું હતું, જેણે રણજી ટ્રોફી છોડીને સીધી જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી. જો કે બીસીસીઆઈ સેક્રેટરીના મેસેજની અવગણના કરીને ઈશાન કિશન હજુ પણ રણજી મેચ રમી રહ્યો નથી. 25 વર્ષીય ક્રિકેટર હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ન રમી રહ્યો હોવાથી અને માત્ર આઈપીએલ પર ધ્યાન કેન્દ્રિત કરતો હોવાથી, બીસીસીઆઈને રણજી ટ્રોફી મેચો રમવાનું ફરજિયાત બનાવવાની ફરજ પડી હતી. 

વિકેટ કિપર બેટર ઈશાન કિશન થોડા સમય પહેલા ભારતીય ટીમમાં રમતો હતો. અને દરેક ફોર્મેટમાં તેની જગ્યા પણ હતી. કિશને તમામ ફોર્મેટમાં (2 ટેસ્ટ, 27 વન-ડે, 32 ટી20આઈ) અનેક મેચ રમી છે, જેમાં તેણે અનુક્રમે 78 રન, 933 રન, 796 રન બનાવ્યા છે. આ ઉપરાંત ટેસ્ટમાં તેના નામે 5 કેચ, વનડેમાં 15 અને ટી20માં 16 શિકાર છે. તે છેલ્લીવાર વનડે ક્રિકેટમાં વર્લ્ડ કપ દરમિયાન દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમતા જોવા મળ્યો હતો. તેની છેલ્લી ટી20 મેચ ઓસ્ટ્રેલિયા સામે ગુવાહાટીમાં હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *