યુએસમાં એટીએન્ડટી સહિતની કંપનીઓનું મોબાઈલ નેટવર્ક 13 કલાક ઠપ્પ

Spread the love

ચીન માત્ર મોબાઈલ નેટવર્ક જ નહીં પણ બેન્ક સિસ્ટમ અને પાણી સપ્લાયના નેટવર્કને પણ ખોરવી શકે છે

વોશિંગ્ટન

અમેરિકામાં એટીએન્ડટી, ટી-મોબાઈલ તેમજ વેરિઝોન સહિતની મોબાઈલ સર્વિસ પૂરી પાડતી કંપનીઓના ગ્રાહકોના મોબાઈલ નેટવર્ક અચાનક જ ઠપ થઈ જતા ભારે અંધાધૂધી સર્જાઈ હતી. 

22 ફેબ્રુઆરીએ મોબાઈલ નેટવર્કમાં સર્જાયેલી ખામીના કારણે હજારો મોબાઈલ ફોન ધારકોએ 13 કલાક સુધી નેટવર્ક વગર રહેવાનો વારો આવ્યો હતો. જેના કારણે અમેરિકાના મોબાઈલ નેટવર્ક પર સાઈબર એટેક થયો હોવાની ચર્ચા પણ શરુ થઈ હતી. 

ફ્લોરિડાના સેનેટર માર્કો રુબિયોએ મોબાઈલ નેટવર્ક ચીનના સાયબર એટેકના કારણે ઠપ થયુ હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી અ્ને કહ્યુ હતુ કે, ચીન તાઈવાન પર હુમલો કરે તો આ પ્રકારનો સાયબર એટેક કરી શકે છે. મને અમેરિકામાં મોબાઈલ નેટવર્ક કેમ ખોરવાયુ તેની ખબર નથી પણ ચીન જો આ પ્રકારનો સાયબર એટેક અમેરિકા પર કરશે તો અમેરિકાની  સ્થિતિ અત્યારે છે તેના કરતા અનેક ગણી વધારે ખરાબ થઈ શકે છે. ચીન માત્ર મોબાઈલ નેટવર્ક જ નહીં પણ બેન્ક સિસ્ટમ અને પાણી સપ્લાયના નેટવર્કને પણ ખોરવી શકે છે. 

દરમિયાન અમેરિકામાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાના કારણે સૌથી વધારે ગ્રાહકો એટી એન્ડ ટી કંપનીના પ્રભાવિત થયા હતા. આ જ કંપનીના 74000 જેટલા ગ્રાહકોએ મોબાઈલ નેટવર્ક ઠપ થવાની ફરિયાદો નોંધાવી હતી. મોબાઈલ નેટવર્ક ઠપ થવાની અસર ન્યૂયોર્ક, બોસ્ટન, એટલાન્ટા, હ્યુસ્ટન, ડલાસ, લોસ એન્જલિસ, સિએટલ જેવા શહેરોની સાથે સાથે કેનેડાના મોન્ટ્રીયલ શહેર સુધી જોવા મળી હતી. સંખ્યાબંધ પોલીસ મથકો દ્વારા તો ઈમરજન્સી કોલની સેવામાં પણ તકલીફો આવી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. 

એટી એન્ડ ટી કંપનીએ પણ સ્વીકાર્યુ હતુ કે, મોબાઈલ નેટવર્કમાં ખામી આવી હતી પણ બપોરના 2-15 વાગ્યા સુધીમાં નેટવર્ક ફરી કાર્યરત થઈ ગયુ હતુ. કંપનીએ કહ્યુ હતુ કે, નેટવર્કના વિસ્તરણની પ્રક્રિયા દરમિયાન થયેલી ભૂલના કારણે મોબાઈલ નેટવર્ક ખોરવાયુ હતુ અને સાયબર એટેકની વાત ખોટી છે. 

દરમિયાન અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશન તેમજ અમેરિકાની સાયબર સિક્યુરિટી એજન્સી દ્વારા પણ એટી એન્ડ ટી કંપની સાથે મળીને મોબાઈલ નેટવર્કમાં આવેલી ખરાબીની તપાસ શરુ કરવામાં આવી છે. 

13 કલાક સુધી નેટવર્ક ઠપ રહ્યુ હોવાથી લોકોને ઘણી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો. ખાસ કરીને મોબાઈલ નેટવર્કની સુરક્ષાને લઈને લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. 

દરમિયાન વ્હાઈટ હાઉસ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ છે કે, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની તપાસમાં મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવા પાછળ સાયબર એટેક જવાબદાર નથી. 

Total Visiters :134 Total: 1501470

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *