ભારત આ યુધ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન થાય તે માટે કાર્યવાહી કરી શકે છે, ભારતે આ કવાયતનો હિસ્સો બનવાની જરુર છેઃ યુક્રેનના ડેપ્યુટી વિદેશી મંત્રી
કીવ
રશિયા અને યુક્રેનના જંગને બે વર્ષ પૂરા થવા આવ્યા છે. હજી પણ બંને દેશોની સેનાઓ એક બીજા સામે લડી રહી છે. બંને પક્ષોએ ભારે ખુવારી પણ થઈ છે. જોકે બેમાંથી કોઈ પીછેહઠ કરવા માટે તૈયાર નથી.
આ યુધ્ધનો નજીકના ભવિષ્યમાં કોઈ અંત દેખાઈ રહ્યો નથી પણ યુક્રેનના ડેપ્યુટી વિદેશી મંત્રીએ ભારતને લઈને મહત્વનુ નિવેદન આપ્યુ છે. ડેપ્યુટી વિદેશ મંત્રી ઈરીના બોરોવેટસે ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવીને કહ્યુ છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ભારતે મહત્વની ભૂમિકા ભજવવાની જરુર છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, યુક્રેને માર્ચમાં સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારા વૈશ્વિક શાંતિ શિખર સંમેલન માટે ભારતને આમંત્રણ આપ્યું છે. ભારતની વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા છે. ભારત એક ગ્લોબલ લીડર છે અને ગ્લોબલ સાઉથ એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દેશોનો મુખ્ય અવાજ છે. ભારત દ્વારા યુક્રેનની સંપ્રભુતાનુ હંમેશા સન્માન કરવામાં આવ્યુ છે. મને લાગે છે કે, ભારત આ યુધ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન થાય તે માટે કાર્યવાહી કરી શકે છે. ભારતે આ કવાયતનો હિસ્સો બનવાની જરુર છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે આ યુધ્ધમાં તટસ્થ વલણ અપનાવીને ભૂતકાળમાં પણ યુધ્ધ રોકવા માટે બંને દેશોને અપીલ કરેલી છે. ગત વર્ષે પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં કહ્યુ હતુ કે, અત્યારનો યુગ યુધ્ધ કે જંગ લડવાનો યુગ નથી.