ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી

પેરિસ
ફ્રાંસની સરકારે આફ્રિકન દેશ ટ્યૂનિશિયાના એક ઈમામને ભડકાઉ નિવેદન બદલ દેશમાંથી રવાના કરી દીધા છે.
ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી છે. તેમના પર આરોપ છે કે, ફ્રાંસની એક મસ્જિદમાં તેમણે અનુયાયીઓ સમક્ષ ઉશ્કેરણીજનક પ્રવચન આપ્યુ હતુ અને આ બદલ સરકારે તેમની ધરપકડ કરી હતી. જેના 12 કલાક બાદ સરકારે તેમની દેશમાંથી હકાલપટ્ટી કરી હતી.
ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડર્મેનીને સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, ફ્રાંસમાં કટ્ટરવાદને કોઈ સ્થાન નથી. ઈમામને દેશમાંથી રવાના કરી દીધા હતા.
દરમિયાન ઈમામના ભાષણનો વિડિયો વાયરલ થયો છે. જેમાં ઈમામે ધ્વજને શૈતાની ધ્વજ ગણાવતા કહે છે કે, આપણા રસ્તામાં આવા ધ્વજની કોઈ જગ્યા નથી. બહુ જલ્દી આપણુ માથુ દુખાડનારા તિરંગા ઝંડા આપણી વચ્ચે નહીં હોય. જોકે ઈમામ ફ્રાંસના ધ્વજ તરીકે ધ્વજનો ઉલ્લેખ નહોતો કર્યો પણ ફ્રાંસનો ધ્વજ પણ ભૂરા, સફેદ અને લાલ રંગનો એમ તિરંગી છે.
દરમિયાન ઈમામે પોતાના પર લાગેલા આરોપોને નિરાધાર ગણાવીને કહ્યુ હતુ કે, મેં કોઈ ખોટુ કામ કર્યુ નથી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ છે. મારો ઈરાદો ફ્રાંસના ધ્વજનુ અપમાન કરવાનો નહોતો.
ઈમામના વકીલે ઈમામ સામે થયેલી કાર્યવાહી સામે અપીલ કરવાનુ પણ નક્કી કર્યુ છે.
બીજી તરફ ઈમામને ક્યાં મોકલવામાં આવ્યા છે તે અંગે મીડિયામાં વિરોધાભાસી અહેવાલો પ્રકાશિત થયા છે. જેમાં ઈમામને ટ્યુનિશિયા મોકલી દેવાયા હોવાનુ કહેવાયુ છે તો એક મીડિયા દ્વારા ઈમામને પેરિસમાં અટકાયતમાં રખાયા હોવાનો દાવો પણ થયો છે.
