વિસનગરની જી.ડી. હોસ્પિટલમાં આધુનિક MRI અને CT Scan સુવિધાનો પ્રારંભ

Spread the love

રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ

મહેસાણા

વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ઓએનજીસી મહેસાણાના CSR સહયોગથી મળેલ 1.5 ટેસ્લા વાઇડ બોર 70 CM MRI મશીન તેમજ સાબરમતી ગેસ, ગાંધીનગરના CSR સહયોગથી મળેલ 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગરીબ અને સામાન્ય દર્દીઓને સીધો લાભ

આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જી.ડી. હોસ્પિટલ વિસનગરના લોકોની આરોગ્ય જરૂરિયાતો માટે લાંબા સમયથી મહત્વપૂર્ણ સેવા આપી રહી છે. સરકાર દ્વારા હોસ્પિટલને સંપૂર્ણ આરોગ્ય સંકુલ તરીકે વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. CSR સહયોગથી અંદાજે રૂ. 15 કરોડના ખર્ચે MRI અને CT Scan જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં ગરીબ અને સામાન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.

તેમણે હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ અને રોગી કલ્યાણ સમિતિના સભ્યોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે દર્દીઓ સંતોષપૂર્વક સારવાર મેળવીને જાય તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે.

ટૂંક સમયમાં A to Z ટેસ્ટની સુવિધા

શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આધુનિક લેબોરેટરી પણ આકાર લઈ રહી છે. લેબોરેટરી કાર્યરત થયા બાદ દર્દીઓને વિવિધ પ્રકારના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જવાની જરૂર નહીં રહે અને મોટાભાગના જરૂરી ટેસ્ટ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ બનશે.

તેમણે ઉમેર્યું કે વિસનગરમાં આરોગ્ય ક્ષેત્રે જે કોઈ સુવિધાની જરૂરિયાત હશે તે અંગે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની સહયોગી કંપનીઓ સાથે મળીને આગામી સમયમાં પણ જરૂરી કામગીરી કરવામાં આવશે.

ગુજરાતમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધ્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. વર્ષ 2001માં રાજ્યમાં 8થી 9 જેટલી મેડિકલ કોલેજો હતી, જે આજે વધીને 42 થઈ છે અને આગામી સમયમાં નવી 8 મેડિકલ કોલેજોની મંજૂરી સાથે આ સંખ્યા 50 સુધી પહોંચશે.

તેમણે જણાવ્યું કે રાજ્યની હોસ્પિટલો, PHC અને CHC કેન્દ્રોને વધુ સુદૃઢ બનાવી CT Scan અને 1.5 ટેસ્લા MRI જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે રાજ્યમાં 282 જેટલા ડાયાલિસિસ સેન્ટરો પણ કાર્યરત છે.

ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી

મંત્રી શ્રી પાનસેરિયાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક ચેતવણી આપતાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનાથી ભેળસેળિયા તત્વો સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેકોર્ડબ્રેક કેસો કરી કાર્યવાહી કરવામાં આવી છે. ભેળસેળિયા પનીર, બટર અને માવા સહિતના ખાદ્ય પદાર્થો સામે સરકાર કડક પગલાં લઈ રહી છે.

તબીબી કર્મચારીઓને સંવેદનશીલ વ્યવહારની અપીલ

મંત્રીશ્રીએ તબીબો, મેડિકલ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓને દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં આવતો દર્દી શારીરિક તેમજ માનસિક પીડામાં હોય છે, તેથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ વાણી પર સંયમ અને માનવીય અભિગમ જાળવવો જરૂરી છે.

કાર્યક્રમમાં ઓએનજીસી, સાબરમતી ગેસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, રોગી કલ્યાણ સમિતિના સભ્યો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *