ફાઇનલ રાઉન્ડના પ્રથમ દિવસે ચાર મુકાબલા રમાયા; ગાંધીનગર અને જામનગરે 5-0થી જ્યારે આણંદે 9-0થી વિજય મેળવ્યો
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલાઓનો પ્રારંભ થયો છે. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને લીગ તબક્કામાં વિવિધ મુકાબલા રમાઈ રહ્યા છે.
ફાઇનલ રાઉન્ડ માટે જામનગર, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જુનાગઢ, છોટાઉદેપુર, અરવલ્લી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટીમોએ સ્થાન મેળવ્યું છે.
ફાઇનલ રાઉન્ડના પ્રથમ મુકાબલામાં ગાંધીનગરની ટીમે અરવલ્લીને 5-0થી હરાવી શાનદાર શરૂઆત કરી હતી. ગાંધીનગર તરફથી નિર્મય જૈને બે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે હર્ષ વાઘેલા, કુલદીપસિંહ અને ચૌધરી સ્મિતે એક-એક ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
બીજા મુકાબલામાં જામનગરની ટીમે પંચમહાલ સામે 5-0થી વિજય મેળવ્યો હતો. જામનગર તરફથી જૈત્રિક પટેલે હેટ્રિક સાથે ત્રણ ગોલ નોંધાવ્યા હતા. જ્યારે દાનિશ રાવતાર અને સુન્ની સ્ટેને એક-એક ગોલ કર્યો હતો.
ત્રીજા મુકાબલામાં આણંદની ટીમે ભાવનગર સામે આક્રમક રમતનું પ્રદર્શન કરતાં 9-0થી એકતરફી વિજય મેળવ્યો હતો.
ચોથા મુકાબલામાં જુનાગઢની ટીમે છોટાઉદેપુરને 3-1થી હરાવ્યું હતું. જુનાગઢ તરફથી કાવ્ય ચૌહાણે બે ગોલ કર્યા હતા, જ્યારે મુસમિયાન સૈયદે એક ગોલ નોંધાવ્યો હતો. છોટાઉદેપુર તરફથી અર્જુન રાઠવાએ એક ગોલ કર્યો હતો.
આવતીકાલના મુકાબલા
ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજમાં આગામી દિવસે ચાર મેચ રમાશે. જેમાં ભાવનગર સામે અમદાવાદ, વડોદરા સામે આણંદ, જુનાગઢ સામે રાજકોટ અને છોટાઉદેપુર સામે દેવભૂમિ દ્વારકા વચ્ચે મુકાબલો થશે.
પરિણામો
- ગાંધીનગર 5-0 અરવલ્લી
- જામનગર 5-0 પંચમહાલ
- આણંદ 9-0 ભાવનગર
- જુનાગઢ 3-1 છોટાઉદેપુર
