રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે અમારી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો જયરામ રમેશનો દાવો
સિમલા
હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે મીડિયા સામે રજૂ થતાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે મેં રાજીનામું નથી આપ્યું. બજેટ દરમિયાન અમે બહુમતી સાબિત કરીશું. હિમાચલમાં પાર્ટીની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. સુક્ખુએ દાવો કર્યો કે ભાજપના ઘણાં ધારાસભ્યો છે જે અમારા સંપર્કમાં છે. તેમણે કહ્યું કે મારા રાજીનામાની અફવા ભાજપે ફેલાવી હતી અને હું તેનાથી ડરવાનો નથી. મેં ઘણું સંઘર્ષ કર્યું છે. હું કોઈનાથી ડરીશ નહીં.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં રાજકીય ખેંચતાણની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુએ રાજીનામાની ઓફર કરી હતી. સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે સુખ્ખુની સરકાર બચાવવા માટે પાર્ટી તરફથી મોકલાયેલા નિરીક્ષકો સમક્ષ તેમણે આ ઓફર કરી હતી.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારના સંકટ પર જયરામ રમેશે કહ્યું કે અમારી પ્રાથમિકતા હિમાચલ પ્રદેશમાં સરકાર બચાવવાની છે કારણ કે ત્યાંના લોકોએ ભાજપને નકારી કાઢ્યો હતો અને અમારી પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે અમારી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અમારા ત્રણ મોટા નેતા શિમલામાં છે, અમારે આકરા નિર્ણયો લેવા પડશે. અમે આકરા નિર્ણયો લેવામાં જરાય સંકોચ નહીં કરીએ. તેમણે કહ્યું કે અમારા નિરીક્ષકો તમામ ધારાસભ્યો સાથે વાત કરશે. જેના પછી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે. અમને જે આદેશ મળ્યો છે તે અમે પૂર્ણ કરીશું. કોંગ્રેસ માટે પક્ષ અને સંગઠન સર્વોપરી છે.