3ની હાલત ગંભીર, બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો
કોટા
રાજસ્થાનના કોટામાં આજે મહાશિવરાત્રી નિમિત્તે બાળકોને લઈને શિવયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વીજ વાયર સાથે સંપર્કમાં આવવાથી લગભગ 15 બાળકોને વીજ કરંટ લાગ્યો છે. આ બાળકો દાઝી ગયા છે અને તેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. કેટલાક અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં બાળકોને વીજ કરંટ લાગ્યો છે. પરંતુ આ બાબતની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. બીજા અમુક અહેવાલો મુજબ આ બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો હોવાનું જાણવા મળે છે.
સમાચાર એજન્સીઓના રિપોર્ટ અનુસાર શિવરાત્રી નિમિત્તે એક ધાર્મિક સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં બાળકો અને બીજા લોકો સામેલ હતા. આ દરમિયાન ખુલ્લા વીજ વાયર સાથે બાળકો સંપર્કમાં આવ્યા હતા જેના કારણે વીજ કરંટ લાગ્યો હતો. મોટી સંખ્યામાં બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તમામ બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સ્થાનિક ટીવી ચેનલના અહેવાલ પ્રમાણે બાળકોને વીજ કરંટ લાગવાના કારણે કેટલાક બાળકો દાજી ગયા છે. તેમને ઈમરજન્સીમાં સારવાર અપાઈ રહી છે અને ત્રણ બાળકોની હાલત ગંભીર છે. બાળકોને જે ઘજા આપવામાં આવી હતી તે ધાતુની હતી જેના કારણે તેમને ડાયરેક્ટ કરંટ લાગ્યો છે.
આ ઘટના બન્યા પછી ઉચ્ચ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને ટોચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક રાજકારણીઓ પણ દોડી આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ તે વિસ્તારમાં હોવાના કારણે તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા છે અને બાળકોની સ્થિતિ વિશે જાણકારી મેળવી છે.
ભારતમાં ધાર્મિક મેળાવડા કે બીજા કાર્યક્રમોમાં ભાગ લેતી વખતે ખુલ્લા વીજવાયર સાથે સંપર્કમાં આવવાથી લોકોને વીજ કરંટ લાગ્યો હોય તેવી ઘટનાઓ વારંવાર બને છે. તાજેતરમાં ગુજરાતમાં પણ એવી ઘટનાઓ બની છે જેમાં ધાર્મિક સરઘસમાં જતા લોકો વીજ વાયર સાથે સંપર્કમાં આવી ગયા હોય અને કરંટ લાગ્યો હોય. આવી ઘટનાઓમાં લોકોના મોત પણ થયા છે. રાજસ્થાનની આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિનો અહેવાલ નથી.