6 કલાકની જહેમત બાદ સિક્કો શોધી કાઢવામાં આવ્યો હતો અને ફ્લાઈટને ટેક ઓફ માટે ક્લિયરન્સ આપવામાં આવ્યુ હતુ
બિજિંગ
ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ કલાકો સુધી મોડી પડતી હોવાની ઘટનાઓ દુનિયાના તમામ દેશમાં બનતી રહી છે પણ ચીનમાં બનેલા એક કિસ્સામાં વિમાનના ટેક ઓફમાં મોડુ થવાનુ કારણ જાણીને સત્તાધીશો પણ આશ્ચર્યમા મુકાઈ ગયા હતા.
મળતી વિગતો પ્રમાણે 6 માર્ચે સાન્યાથી બિજિંગ જતી ચાઈના સધર્ન એરલાઈન્સની ફ્લાઈટે સવારે 10 વાગ્યે ટેક ઓફ કરવાનુ હતુ પણ વિમાનમાં બેસતા પહેલા એક મુસાફરે અંધશ્રધ્ધાથી પ્રેરાઈને ગૂડ લક માટે વિમાનના એન્જિનમાં ચલણી સિક્કો ફેંક્યો હતો અને તેના કારણે આ ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી.
આ ઘટનાના સામે આવેલા એક વિડિયો પ્રમાણે હવાઈ જહાજના એન્જિનમાં સિક્કો ફેંકનારા મુસાફરને એક ફ્લાઈટ એટેન્ડન્ટ જોઈ ગયો હતો. તેણે મુસાફરની પૂછપરછ કરી ત્યારે હકીકત સામે આવી હતી. એ પછી એન્જિનમાં સિક્કાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 6 કલાકની જહેમત બાદ સિક્કો શોધી કાઢવામાં આવ્યો હતો અને ફ્લાઈટને ટેક ઓફ માટે ક્લિયરન્સ આપવામાં આવ્યુ હતુ.
એરલાઈને કહ્યુ હતુ કે, મુસાફરે કરેલી હરકત અસભ્ય તો હતી જ પણ વિમાનની સુરક્ષા સામે પણ ગંભીર ખતરો ઉભો કરે તેવી હતી અને આ મુસાફર સામે એરલાઈન કાયદેસરની કાર્યવાહી કરશે.
ચીનમાં કદાચ મુસાફરી કરતા પહેલા સિક્કો ફેંકવાની માન્યતામાં ઘણા લોકો વિશ્વાસ ધરાવે છે. 2021માં પણ વિફેંગ થી હાઈકૂ નામના સ્થળે જઈ રહેલી ફ્લાઈટમાં બેસતા પહેલા એક મુસાફરે લાલ કાગળમાં લપેટીને સિક્કો વિમાનના એન્જિનમાં ફેંક્યો હતો અને એ પછી આ ફ્લાઈટને રદ કરવામાં આવી હતી.