બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું
ઈમ્ફાલ
મણિપુરમાં હિંસાનો તબક્કો અટકવાનું નામ નથી લઈ રહ્યો એવામાં ઇમ્ફાલ શહેરમાં ફરી એકવખત ટોળા અને સુરક્ષા દળો વચ્ચે મોડી રાત સુધી અથડામણ થયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં બે નાગરિકો ઘાયલ થયા છે. બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ફાયરિંગ થયું હતું. આ સાથે જ ટોળાએ ભાજપના નેતાઓના ઘરોને પણ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે.
આ સિવાય ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમમાં ઇરિંગબામ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો. જો કે કોઇ હથિયાર લઇ શક્યા ન હતા. તાજેતરના ઘટનાક્રમ બાદ નવી રણનીતિ બનાવીને બદમાશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભીડને એકત્ર થવાથી રોકવા માટે, આર્મી, આસામ રાઇફલ્સ અને મણિપુર રેપિડ એક્શન ફોર્સે ચાર્જ સંભાળ્યો અને રાજધાનીમાં મધરાત સુધી સંયુક્ત કૂચ કરી હતી.
ઇમ્ફાલ પશ્ચિમમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ અધિકારમયુમ શારદા દેવીના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આ પહેલા પણ 1200 લોકોના ટોળાએ કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. તેના ઘરના ગ્રાઉન્ડ અને પહેલા માળે આગ લાગી હતી. કેન્દ્ર સરકાર બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમની વિનંતી પર લોકોએ આત્મસમર્પણ પણ કર્યું હતું. પરંતુ હજુ સુધી હિંસા અટકી નથી.