બીરભૂમ સ્થિત શાંતિનિકેતનથી 28 ક્રૂડ બોમ્બ મળી આવ્યા, આ બોમ્બ બાલ્ટીઓમાં રાખવામાં આવ્યા હતા, પોલીસે તમામ બોમ્બ કબજે કરી તપાસ હાથ ધરી
બીરભૂમ
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં દર વખતની જેમ આ વખતે પણ હિંસા જોવા મળી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સતત બીજા દિવસે બોમ્બ મળતા હડકંપ મચી ગયો છે. શનિવારે બીરભૂમ સ્થિત શાંતિનિકેતનથી 28 ક્રૂડ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ બાલ્ટીઓમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે તમામ બોમ્બ કબજે કરી તપાસ હાથ ધરી છે.
સતત બીજા દિવસે બોમ્બની સૂચના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. એક દિવસ પહેલા જ ટીએમસીના કાર્યાલય પાછળના એક ઘરમાંથી 20 બોમ્બ મળી આવ્યા હતા. બોમ્બની સૂચના મળતા જ સીઆઈડીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ બોમ્બને ડિફ્યૂઝ કરી દીધા હતા.
ચૂંટણીના કારણે પશ્ચિમ બંગાળ જંગનું મેદાન બની ગયું છે અને રાજ્યના જુદા જુદા ભાગોમાંથી હિંસાની ખબરો આવી રહી છે. 16 જૂનના રોજ રાજ્યપાલ સીવી આનંદ બોઝે 24 પરગણા જિલ્લામાં હિંસાગ્રસ્ત ભંગોરની મુલાકાત લીધી હતી. ભંગોરમાં નોમિનેશનને લઈને અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે, રાજકીય હિંસા ખતમ થવી જોઈએ. ચૂંટણીમાં જીત મતની ગણતરીના આધાર પર થવી જોઈએ નહીં કે, મૃતદેહોના આધાર પર.
પશ્ચિમ બંગાળમાં યોજાનારી પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી કલકત્તા હાઈકોર્ટે 15 જૂને રાજ્ય ચૂંટણી પંચને 48 કલાકની અંદર તમામ જિલ્લાઓમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચે આદેશનું પાલન કરવાનું કહ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે આદેશ વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરી છે.