પ્રવિણ પટેલની હત્યા કેસમાં શેફિલ્ડ પોલીસે યુએસના યુવકની ધરપકડ કરી

Spread the love

કોર્ટમાં સાબિત થયું કે, 8 ફેબ્રુઆરીએ મૂરેએ હેન્ડગનથી પ્રવીણ પટેલની હત્યા કરી હતી, પોલીસનું કહેવું છે કે, મૂરે આ મોટેલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો અને એ જ મુદ્દે બબાલ થતાં ઘટનાને અંજામ આપ્યો હતો

અમદાવાદ 

અમેરિકામાં ગત મહિને જ ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની તેમની જ મોટેલમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં શેફિલ્ડ પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી હતી. કોર્ટના ડૉક્યુમેન્ટ પ્રમાણે, ચાલુ મહિને જ્યૂરીએ 34 વર્ષના વિલિયમ મૂરેને દોષિત જાહેર કર્યો છે.

શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ હિલક્રિસ્ટ મોટેલના માલિક પ્રવીણ રાવજીભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં વિલિયમ મૂરેની ધરપકડ કરી હતી. કોર્ટમાં સાબિત થયું કે, 8 ફેબ્રુઆરીએ મૂરેએ હેન્ડગનથી પ્રવીણ પટેલની હત્યા કરી નાખી હતી. પોલીસનું કહેવું છે કે, મૂરે આ મોટેલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો અને એ જ મુદ્દે બબાલ થતાં તેણે પ્રવીણ પટેલને ગોળી મારી હતી. પ્રવીણ પટેલની હત્યા બાદ વિલિયમ મૂરે ત્યાંથી નાસી ગયો હતો.
પોલીસ ચીફે કહ્યું, “હત્યા બાદ મૂરે 13 એવન્યૂ પાસે એક ખાલી પડેલા મકાનમાં છુપાવવા જઈ રહ્યો હતો ત્યારે જ શેફિલ્ડ પોલીસે તેને ઝડપી લીધો હતો.” પોલીસે મૂરેની તપાસ કરતાં તેની પાસેથી હત્યામાં વપરાયેલી ગન મળી આવી હતી. મહત્વનું છે કે, પોલીસે હત્યારાને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને થોડા સમય માટે વાહનોની અવરજવર પણ પ્રતિબંધિત કરી દીધી હતી. વિલિયમ મૂરે ઝડપાઈ ગયા બાદ આ લોકડાઉન હટાવી દેવાયું હતું.
કોર્ટના દસ્તાવેજો પ્રમાણે, 13 ફેબ્રુઆરીએ બોન્ડ માટે સુનાવણી થઈ હતી. જેમાં કોલબર્ટ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ જજે મૂરેને બોન્ડ આપવાનો ઈનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે શેફિલ્ડ ડિટેક્ટિવ બેરેટ ઈવાન્સની ટેસ્ટીમોની ધ્યાને લીધી હતી. તેમણે જુબાની આપી કે, તેમણે મૂરેને હોટેલમાંથી ફરાર થતો જોયો હતો. કોર્ટ રેકોર્ડ પ્રમાણે, ઈવાન્સે પુષ્ટિ કરી કે, વિડીયો ફૂટેજમાં દેખાતું હતું કે, મૂરેએ ગન કાઢીને પ્રવીણ પટેલને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમ ઈવાન્સે જણાવ્યું છે. પ્રવીણ પટેલ મોટેલના રિસેપ્શન એરિયામાં જ ઢળી પડ્યા હતા. સવારે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને પોલીસે એક કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
76 વર્ષના પ્રવીણ પટેલ મૂળ ચરોતરના રહેવાસી હતા અને વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકામાં રહેતા હતા તેવું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, અમેરિકામાં અવારનવાર લૂંટના ઈરાદે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવતી હોય છે. 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને એનઆરઆઈની હત્યાના સમાચારે ચકચાર મચાવી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *