ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં નેટ બોલર તરીકે પોતાની પ્રતિભા બતાવશે
ચેન્નાઈ
ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું સ્થાન શોધી રહેલા 17 વર્ષીય શ્રીલંકન બોલરના યોર્કર બોલે તેની કિસ્મત બદલી નાખી છે. તેના એક યોર્કર બોલે તેના ક્રિકેટિંગ કરિયરને નવી ઉડાન આપી છે. શ્રીલંકાના આ 17 વર્ષના યુવા ફાસ્ટ બોલરનું નામ કુગાદાસ મથુલન છે. આ યુવા ફાસ્ટ બોલરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એટલો પોપ્યુલર થયો કે ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની પણ તેનો ફેન બની ગયો. માહીએ તેને શ્રીલંકાથી ભારત બોલાવ્યો છે અને હવે તે ચેન્નઈ સુપર કિંગ્સના નેટમાં પોતાની ક્ષમતા બતાવશે.
શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર કુગાદાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે તેના એક ઘાતક યોર્કર વડે બેટરને બોલ્ડ કર્યો હતો. કુગાદાસના હાથમાંથી નીકળેલો બોલ એટલો જોરદાર હતો કે બેટર પોતાનું સંતુલન ગુમાવીને જમીન પર પડી ગયો. બોલની સ્પીડ એટલી હતી કે બેટર બીટ થઇ ગયો અને તેનું મિડલ સ્ટમ્પ ઉડી ગયું હતું. તેનો આ બોલ ખુદ એમએસ ધોનીને પણ ગમ્યો હતો. આ જ કારણ છે કે ધોનીએ તેને શ્રીલંકાથી ભારત બોલાવ્યો છે અને તે હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં નેટ બોલર તરીકે પોતાની પ્રતિભા બતાવશે.
કુગાદાસની ખાસ વાત એ છે કે તેની એક્શન બિલકુલ શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગા જેવી છે. આ સાથે જે બોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેવી જ રીતે મલિંગા પણ તેના કરિયર દરમિયાન બોલ ફેંકતો હતો. કુગાદાસ મથુલન હવે એમએસ ધોનીની દેખરેખ હેઠળ પોતાની બોલિંગ પર કામ કરશે. જો તે માહીને નેટ બોલર તરીકે પ્રભાવિત કરવામાં સફળ રહેશે તો તેને સીએસકેની ટીમમાં પણ એન્ટ્રી મળી શકે છે. માહીની ખાસ વાત એ છે કે તે યુવા ખેલાડીઓમાં છુપાયેલી પ્રતિભાને કેવી રીતે ઓળખવી તે જાણે છે.