હરમનને 18મી ઓવરમાં જીવનદાન મળ્યું, તેમ છતાં તેણે ઓવરના છેલ્લા બોલ પર ફરીથી જોખમ લીધું અને આઉટ થઈ ગઈ હતી

મુંબઈ
ડબલ્યુપીએલ 2024ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એમઆઈએ પોતાની ઇનિંગ દરમિયાન મજબૂત પકડ બનાવી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં આરસીબીએ બાજી પલટી દીધી અને પહેલીવાર ડબ્લયુપીએલ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મુંબઈ માટે સૌથી મોટું કારણ કેપ્ટન હરમનપ્રીત કૌરની વિકેટ હતી. હરમનને 18મી ઓવરમાં જીવનદાન મળ્યું, તેમ છતાં તેણે ઓવરના છેલ્લા બોલ પર ફરીથી જોખમ લીધું અને આઉટ થઈ ગઈ હતી. તેની આ ભૂલ એમઆઈને ભારે પડી અને આ વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 135 રન બનાવ્યા હતા, આ સ્કોર સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી.
હરમનપ્રીત કૌરે મેચ બાદ કહ્યું, “અમે ખરેખર સારી બોલિંગ કરી, અમે તેમને 140થી ઓછા રનના સ્કોર પર રોકી દીધા. બેટિંગ પણ સારી હતી પરંતુ અમે છેલ્લા 12 બોલમાં સારી બેટિંગ કરી ન હતી. અમને 12 બોલમાં માત્ર એક બાઉન્ડ્રીની જરૂર હતી. તે હાંસલ કરી શક્યા નહીં. આ રમત હંમેશા તમને કંઈકને કંઇક શીખવે છે અને દબાણમાં મૂકે છે, તમારે તેમાંથી શીખવાની જરૂર છે. જ્યારે અમે મારી વિકેટ ગુમાવી હતી, ત્યારે અમારા બેટર પોતાનું સંયમ જાળવી શક્યા ન હતા, તે ટર્નિંગ પોઈન્ટ હતો.”
એમઆઈની કેપ્ટને અંતમાં કહ્યું, “અમે આ ટુર્નામેન્ટમાં સજનાને જોઈ, તે ખરેખર જોરદાર હિટ કરી શકે છે અને ડબલ્યુપીએલ જ યુવા ખેલાડીઓને સામે લાવવાનું કામ કરી શકે છે. અમે ખરેખર સખત સંઘર્ષ કર્યો, આ સિઝન અમારા માટે ઉતાર-ચઢાવની રહી, છેલ્લી સિઝનમાં અમે ખરેખર સારું પ્રદર્શન કર્યું પરંતુ અમે ઘણું શીખ્યા અને આશા છે કે આગામી સિઝનમાં અમે સારી તૈયારી કરીશું અને બાઉન્સ બેક કરીશું.”
એમઆઈને છેલ્લી ત્રણ ઓવરમાં માત્ર 20 રનની જરૂર હતી અને ક્રિઝ પર બે સેટ બેટર હતા. 18મી ઓવરમાં જ્યારે રિચા ઘોષે સ્ટમ્પિંગ કરવાની તક ગુમાવી ત્યારે કૌરને જીવનદાન પણ મળ્યું. જો કે શ્રેયંકા પાટીલે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને તેના સ્પેલના છેલ્લા બોલ પર હરમનપ્રીતને આઉટ કરી હતી. હરમનપ્રીતની વિકેટ પડતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સે આરસીબી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હોવાથી, મંધાનાએ આશા શોભને બોલિંગ સોંપી અને તેણે પોતાની કેપ્ટનને નિરાશ ન થવા દીધી. તે ગભરાઈ નહીં અને આરસીબીને જીત તરફ દોરી ગઈ. મુંબઈએ છેલ્લા 18 બોલમાં કોઈ પણ બાઉન્ડ્રી ફટકાર્યા વિના માત્ર 14 રન બનાવ્યા હતા.
