આ બનાવ સંદર્ભે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ ગુજરાત આવી શકે છે

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ અદા કરવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના વિવાદની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોને ઝડપી પાડ્યા છે તેમજ યુનિવર્સિટી તંત્રએ પણ નવી ગાઈલાઈન જાહેર કરી છે. તો બીજીતરફ ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત લેવા ગુજરાત યુનિવર્સિટી આવ્યું છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ ગુજરાત આવી શકે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે 16 માર્ચે વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન 20થી 25 લોકોના ટોળાએ હુમલો અને ઝપાઝપી કરતા પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તેના પડઘા વિદેશમાં પણ બન્યા છે. બનાવના બે દિવસ બાદ અલગ દેશોના હાઈ કમિશન ગુજરાત યુનિવર્સિટી આવવાના શરૂ થયા છે. આજે ગામ્બિયા દેશનું હાઈ કમિશનર ગુજરાત યુનિવર્સિટી પહોંચી કુલપતી સાથે બેઠક કરવા ઉપરાંત પીડિત વિદેશી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
યુનિવર્સિટીના હોસ્ટેલમાં વિવિધ દેશના 70થી વધુ વિદ્યાર્થીઓ રહે છે, જેમાં ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓનો પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં મારામારીની ઘટના બાદ ગામ્બિયાની ટીમે અમદાવાદ પહોંચી પીડિત વિદેશી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. ગામ્બિયાના ડેલિગેશને કુલપતિને મળી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચર્ચા કરી છે. આ ઉપરાંત શુક્રવારે અફઘાનીસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકીયા વર્દાક પણ અમદાવાદ આવશે અને વિદ્યાર્થીઓને મળશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં 16 માર્ચે રાત્રીને સમયે વિદેશી વિદ્યાર્થીઓ નવાજ અદા કરી રહ્યા હતા ત્યારે તેમના હુમલો કરાયો હતો. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. બીજીતરફ વિદ્યાર્થીઓને ફરી હુમલો કરવાની ધમકી અપાતા પોલીસ બંદોબસ્ત યથાવત્ રાખવા સૂચના અપાઈ છે. શનિવારે રાતના સમયે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેસના એ બ્લોકમાં ૧૫ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. તે સમયે બહાર નમાઝ કરવાને લઇને શરૂ થયેલી તકરારે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સંગઠનના ટોળાએ હોસ્ટેલની રૂમમાં સામાનમાં તોડફોડ કરવાની સાથે વાહનોમાં ભારે નુકશાન કર્યું હતું. સાથેસાથે પાંચ જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ઇજાઓ પણ પહોંચી હતી
આ મામલે રવિવારે ક્રાઇમબ્રાંચે હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ક્રાઇમબ્રાંચની ટીમ સક્રિય હતી. જેમાં સોમવારે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ક્ષિતિજ પાંડે (રહે.અંબિકા ટેનામેન્ટ, શાસ્ત્રીનગર), જીતેન્દ્ર રામાભાઇ પટેલ (રહે. મ્યુનિસિપલ કર્મચારીનગર, સત્તાધાર, ઘાટલોડિયા) અને સાહિલ દુધાતિયા (રહે.નરેશ રબારીની ચાલી, મેમનગર)નો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે. આ કેસમાં વિડીયો ફુટેજ અને પ્રાથમિક પુછપરછના આધારે અત્યાર સુધીમાં 10થી વધુ આરોપીઓની ઓળખ થઇ ચુકી છે. બીજી તરફ આરોપીઓને ઝડપીને કેસને લગતી કાર્યવાહી અંગે નિયમિત રિપોર્ટ આપવા માટે ગૃહવિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.