ભારત- ચીન લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર સૈન્ય કાર્યવાહી થકી અથવા તો બીજા કોઈ પ્રયાસો થકી ઘૂસણખોરી કરીને આ વિસ્તાર પર દાવો કરવાના એક તરફી પ્રયાસનો યુએસ દ્વારા વિરોધ
નવી દિલ્હી
પીએમ મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી તો ચીનને ભારે બળતરા ઉપડી હતી.
ચીને આ મુલાકાતનો વિરોધ કરીને અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. જોકે ચીનના ઘા પર હવે અમેરિકાએ મીઠું ભભરાવવાનુ કામ કર્યુ છે. અમેરિકાની સરકારના પ્રવક્તા વેદાંત પટેલે સોઈ ઝાટકીને કહ્યુ છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હોવાનુ અમેરિકા સ્વીકારે છે અને ભારત તેમજ ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર સૈન્ય કાર્યવાહી થકી અથવા તો બીજા કોઈ પ્રયાસો થકી ઘૂસણખોરી કરીને આ વિસ્તાર પર દાવો કરવાના એક તરફી પ્રયાસનો વિરોધ કરે છે.
સ્વાભાવિક રીતે જ વેદાંત પટેલનો ઈશારો ચીન તરફ હતો અને નામ લીધા વગર ચીનને અમેરિકાએ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ વિસ્તારમાં ઘૂસણખોરી કરવા સામે લાલબત્તી ધરી હતી.
અન્ય દેશોની જમીન પર કાયમ ચીનનો ડોળો મંડરાયેલો હોય છે અને તેમાંથી ભારતનુ અરુણાચલ પ્રદેશ રાજ્ય પણ બાકાત નથી. અરુણાચલ પ્રદેશને ચીન દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે અને જ્યારે પણ ભારતના નેતાઓ આ રાજ્યની મુલાકાતે આવે છે ત્યારે ચીન વિરોધ નોંધાવે છે. ચીને અરુણાચલ પ્રદેશને જાંગનાન નામ પણ આપ્યુ છે.
પીએમ મોદીએ નવ માર્ચે આ રાજ્યમાં 13500 ફૂટ ઉંચાઈ પર બનેલી સેલા સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે અરુણાચલ પ્રદેશની બોર્ડર સુધી સૈનિકોની અવર જવર માટે ભારે મદદરુપ પૂરવાર થવાની છે.
પીએમ મોદીની મુલાકાત બાદ ચીને કહ્યુ હતુ કે, અરુણાચલ પ્રદેશ ચીનનુ અભિન્ન અંગ છે. જોકે ચીનના દાવાની અમેરિકાએ હવા કાઢી નાંખી છે.