ગાંધીધામ
ગુજરાતનો સફળ ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને બૈરૂત WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. માનવ પહેલી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં રમશે. આ ટુર્નામેન્ટ હાલમાં લેબેનોનના બૈરૂત ખાતેની કવાથર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાઈ છે.
વિશ્વમાં 74મો ક્રમાંક ધરાવતા માનવને સાઉથ કોરિયાના 37મા ક્રમના એ એન જેહયુન સામેન સેમિફાઇનલ મેચ જીતવા માટે માત્ર 28 મિનિટનો સમય લાગ્યો હતો જેને અંતે તેનો 3-0 (11-9, 11-8, 12-10)થી વિજય થયો હતો. માનવ હવે વિશ્વના 103મો ક્રમાંક ધરાવતા ભારતીય ખેલાડી જી. સાથિયાન સામે ફાઇનલમાં મુકાબલો થશે. જેણે અન્ય સેમિફાઇનલમાં તાઇવાનના ચુઆંગ ચિહ-યુઆનને 3-1થી હરાવ્યો હતો.
અગાઉ માનવે ઇરાનના નવીદ શમ્સ સામેની મેચમાં 3-2થી વિજય હાંસલ કરવા માટે 40 મિનિટ સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં તેણે ભારતના જ સાથી ખેલાડી એસ. સ્નેહિતને 3-1થી આસાનીથી હરાવી દીધો હતો.
મેન્સ સિંગલ્સની એક માત્ર ફાઇનલમાં જ સુરતનો આ ખેલાડી રમવાનો નથી કેમ કે માનવે આ ઉપરાંત મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો છે.
ગુજરાતના જ સાથી ખેલાડી અને તેના પરમ મિત્ર માનુષ શાહની સાથે મળીને માનવ મેન્સ ડબલ્સની ફાઇનલ રમશે. જેની સેમિફાઇનલમાં ગુજરાતની આ જોડીએ ભારતના જ જીત ચંદ્રા અને એસ. સ્નેહિતની જોડીને 3-1 થી હરાવી હતી. તેમનો મુકાબલો ક્યુબાના જોર્જ કેમ્પોસ અને એન્ડી પરેરા સાથે થશે.
મિક્સ ડબલ્સની ફાઇનલમાં માનવ અને અર્ચના કામથની જોડી ભારતના જ માનુષ અને દિયા ચિતાલે સામે ટકરાશે.
માનવ અને અર્ચનાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની મોખરાની મિક્સ ડબલ્સ જોડી મણિકા બત્રા અને જી. સાથિયાનને 3-0થી હરાવી હતી જ્યારે સેમિફાઇનલમાં તેમણે તુર્કીના સિબેલ અલ્ટિનક્યા અને ઇબ્રાહિમ ગુંડુઝને 3-2થી હરાવ્યા હતા.
અન્ય ક્વાર્ટર ફાઇનલમાં માનુષ અને દિયાએ ક્યુબાના જોર્જ કેમ્પોસ અને જેનિયેલા ફોન્સેકા કેરેઝાના સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો અને ત્યાર બાદ ભારતના જ પોયમોન્ટી બૈસ્ય અને આકાશ પાલની જોડીને 3-1થી હરાવી હતી.
હાલમાં વિશ્વમાં 65મો ક્રમાંક ધરાવતા ગુજરાતના હરમિત દેસાઈ આ વખતે તેની પાસેથી રખાતી અપેક્ષાને પાર પાડવામાં નિષ્ફળ રહ્યો હતો કેમ કે રાઉન્ડ ઓફ 16માં જી. સાથિયાન સામે તેનો 1-3થી પરાજય થયો હતો.
વિશ્વમાં 190મા ક્રમના માનુષને પણ તાઇવાનના ચુઆંગ ચિહ-યુઆન સામે 1-3ના પરાજયનો સામનો કરવો પડ્યો હતો.