શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયું હતું, ભારે આર્થિક કટોકટી સર્જાતા ભારતે શ્રીલંકાની મદદ કરી હતી
કોલંબો
ચીનના દેવા હેઠળ દબાયેલા પાડોશી દેશ શ્રીલંકા 2022માં ડિફોલ્ટ જાહેર થયુ હતુ. દેશમાં ભારે આર્થિક કટોકટી સર્જાઈ હતી અને તેવા સમયે ભારતે શ્રીલંકાની મદદ કરી હતી.
હવે પોતાના પગ પર ઉભા થવાનો પ્રયાસ કરી રહેલુ શ્રીલંકા પોતાની ભૂલ દોહરાવી રહ્યુ હોય તેમ લાગે છે. શ્રીલંકાના વડાપ્રધાન દિનેશ ગુણવર્ધને ચીનની મુલાકાતે છે અને તેમણે કહ્યુ છે કે, ચીને રાજધાની કોલંબોના એરપોર્ટ તેમજ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદરના નિર્માણ માટે મદદ કરવાનો વાયદો કર્યો છે.
શ્રીલંકાએ ફરી ચીન પર વિશ્વાસ મુકવાની હિલચાલ કરી છે તે પણ આશ્ચર્યજનક છે. કારણકે શ્રીલંકાના હંબનટોટા બંદરને પણ ચીને વિકસીત કર્યુ હતુ પણ શ્રીલંકાને તેમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. એ પછી લોનના બદલામાં ચીને આ બંદરને 99 વર્ષના ભાડા પટ્ટે શ્રીલંકા પાસેથી લખાવી લીધુ હતુ. જ્યાં હવે છાશવારે ચીનની નૌસેનાના જહાજો આંટો મારી જતા હોય છે.
આમ છતા શ્રીલંકા કોલંબો એરપોર્ટના વિસ્તરણનુ કામ ચીનને સોંપવા માંગે છે. આ કામગીરી પહેલા જાપાનની મદદથી થઈ રહી હતી પણ શ્રીલંકા ડિફોલ્ટ થયા બાદ કામ અટકી ગયુ હતુ અને હવે ચીન આ પ્રોજેકટ હાથ ધરશે તેવુ શ્રીલંકાના વડાપ્રધાનની જાહેરાતથી લાગી રહ્યુ છે.
સાથે સાથે દિનેશ ગુણવર્ધનેના કાર્યાલયે કહ્યુ છે કે, ચીને શ્રીલંકાની લોનના રિસ્ટ્રકચરિંગ માટે તેમજ શ્રીલંકાની ઈકોનોમીના વિકાસ માટે મદદ કરવાનો વાયદો કર્યો છે. સાથે સાથે ચીન શ્રીલંકાનુ એક બંદર પણ ડેવલપ કરશે.
એક તરફ શ્રીલંકા ભારતને પોતાનુ પરંપરાગત મિત્ર ગણાવે છે અને બીજી તરફ ચીનને પણ નારાજ કરવા માંગતુ નથી. શ્રીલંકાનુ આ પ્રકારનુ બેવડુ વલણ ભારતની ચિંતા વધારી શકે છે.