ફિલિપાઈન્સનું આડકતરી રીતે સમર્થન કરીને ચીનને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા જયશંકરની સલાહ
મનિલા
સાઉથ ચાઈના સીમાં ચીનની દાદાગીરી સામે ટક્કર આપી રહેલા ફિલિપાઈન્સે ભારતનો સાથ મળ્યા બાદ વધારે આક્રમક વલણ અપનાવ્યુ છે.
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે ચીનને સંદેશ આપતા કહ્યુ છે કે, અમે કોઈ પણ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા પણ અમે કોઈની જોહુકમી પણ સહન નહીં કરીએ અને કોઈની સામે નહીં ઝુકીએ.
તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફિલિપાઈન્સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફિલિપાઈન્સનુ આડકતરી રીતે સમર્થન કરીને ચીનને આંતરરાષ્ટ્રીય કાયદાઓનુ પાલન કરવા માટે સલાહ આપી હતી. એ પછી ફિલિપાઈન્સે વધારે આકરા તેવર બતાવ્યા છે.
રાષ્ટ્રપતિ માર્કોસે કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મેં સુરક્ષા એજન્સીઓ અને સેનાના અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને તેમને જરુરી નિર્દેશ આપ્યા છે. હું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફિલિપાઈન્સના સહયોગી દેશો અને મિત્ર દેશોના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છું. આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ દેશોના પ્રતિનિધિઓ સાથે મારી મુલાકાત થઈ છે તેમણે ફિલિપાઈન્સને સ્વાયતત્તા, સંપ્રુભતા અને દેશની સુરક્ષા જાળવા રાખવા માટે મદદ કરવાનો વાયદો કર્યો છે. મેં તેમને અમારી જરુરિયાતો અંગે જાણકારી આપી છે અને વિવિધ દેશોએ અમને આશ્વાસન આપ્યુ છે.
માર્કોસે આગળ કહ્યુ હતુ કે, આવનારા દિવસોમાં ચીનના કોસ્ટ ગાર્ડ તેમજ ચીનની નૌસેનાના એજન્ટો દ્વારા ફિલિપાઈન્સના જહાજો સામે આક્રમકતા દેખાડવાનુ ચાલુ રાખવામાં આવશે તો તેની સામે ફિલિપાઈન્સ એ જ પ્રકારનો અને યોગ્ય જવાબ આપશે. અમે ફિલિપાઈન્સના લોકો છે અને ફિલિપિનો કોઈની આગળ ઝુકતા નથી.
ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં આવેલા ટાપુની માલિકીની લઈને વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશોના જહાજો વચ્ચે સાઉથ ચાઈના સીમાં ટકરાવ પણ થતો રહે છે.