કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટને ગળે લગાવ્યો અને આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ
બેંગલુરૂ
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચાલી રહેલા વિવાદનો ગઈકાલે સાંજે અંત આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ રીતે બંને દિગ્ગજો વચ્ચે સમાધાન થયું. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આઈપીએલ 2024ની 10મી મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને આરસીબીને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમના ખાતામાં 4 પોઈન્ટ છે જ્યારે આરસીબી 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
આરસીબીના સ્ટાર બેટર વિરાટ કોહલીએ કોલકાતા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કેકેઆર સામે તેના આઈપીએલ કરિયરની 52મી ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 59 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટાઈમ આઉટ દરમિયાન કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટને ગળે લગાવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે થોડી વાતચીત પણ થઈ હતી, જો કે બંને હસતા જોવા મળ્યા હતા. ગંભીર અને કોહલીના ચાહકો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોહલી અને ગંભીરને ગળે મળતા જોઈને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે ફની કોમેન્ટ કરી હતી. શાસ્ત્રીએ કહ્યું, “કેકેઆરને આ માટે ફેર પ્લે એવોર્ડ મળવો જોઈએ.” જ્યારે ગાવસ્કરે કહ્યું, “ફક્ત ફેરપ્લે એવોર્ડ જ નહીં, ઓસ્કાર એવોર્ડ પણ આપવો જોઈએ.”