અમદાવાદ
ગુજરાતના બેટર પ્રિયાંક પંચાલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જમણા હાથના બેટર પ્રિયાંકે કેપ્ટન તરીકે ઈન્ડિયા A માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 17 વર્ષથી વધુ સમયથી સ્થાનિક સર્કિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઓપનિંગ બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો છે..

પ્રિયાંક પંચાલે ગુજરાત તરફથી 99 રણજી ટ્રોફી મેચ સહિત 127 ફર્સ્ટ-ક્લાસ મેચો સાથે પોતાની ઝળહળતી કારકિર્દીનો અંત કર્યો છે, જેમાં 29 સદી અને 34 અડધી સદી સાથે 8856 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 314* છે અને 1310 રન સાથે 2016-17 સીઝન માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કર્યો હતો.
પ્રિયાંકે 2016-17માં ગુજરાતને રણજી ટ્રોફી જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 2016-17માં ગુજરાત પહેલી વાર રણજી ટ્રોફી ચેમ્પિયન બની રહ્યું હતું. ઉપરાંત, જ્યારે ગુજરાત 2015-16માં વિજય હજારે અને 2013-14 અને 2012-13માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ચેમ્પિયન બન્યું ત્યારે તેઓ ટીમમાં સામેલ હતા.
પ્રિયાંક બીસીસીઆઈ ડોમેસ્ટિક ક્રિકેટની તમામ ફોર્મેટ (રણજી ટ્રોફી # મલ્ટી-ડે, વિજય હજારે ટ્રોફી # વન-ડે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી # ટી-20) માં ઘણી વખત ગુજરાત સિનિયર ટીમનું નેતૃત્વ કર્યું છે.
