ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની રાજ્યવ્યાપી કાર્યવાહી, 28 નમૂનાઓ તપાસ માટે મોકલાયા
ગાંધીનગર:
ગુજરાતમાં ડેરી ઉત્પાદનોના નામે વેચાતા બિન-પ્રમાણભૂત અને ભેળસેળયુક્ત ડેરી એનાલોગ સામે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાં કુલ 134 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 28 નમૂનાઓ લેવામાં આવ્યા, જ્યારે 1,053 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો નાશ કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 2,82,450 થાય છે. આ કાર્યવાહી રાજ્યમાં ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
134 સ્થળોએ તપાસ, વ્યાપક ચકાસણી
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એક જ દિવસમાં 134 સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કરતી એકમોમાં વિશેષ ચકાસણી કરવામાં આવી હતી. તંત્રે ખાસ કરીને એવા ઉત્પાદનો પર નજર કેન્દ્રિત કરી હતી, જે દેખાવ અને પેકેજિંગમાં અસલી ડેરી ઉત્પાદનો જેવા લાગે છે પરંતુ નિયમો અનુસાર પ્રમાણભૂત નથી.
28 નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા
તપાસ દરમિયાન કુલ 28 નમૂનાઓ એકત્રિત કરીને પ્રયોગશાળામાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓમાં ગુણવત્તા, ધોરણો અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ નમૂનો ભેળસેળયુક્ત અથવા બિન-પ્રમાણભૂત સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
1,053 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ
તંત્ર દ્વારા તપાસ દરમિયાન કુલ 1,053 કિલોગ્રામ ડેરી એનાલોગ અથવા શંકાસ્પદ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2.82 લાખથી વધુ હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહીનો હેતુ આવા ઉત્પાદનો ગ્રાહકો સુધી ન પહોંચે અને જાહેર આરોગ્યને કોઈ જોખમ ન ઊભું થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
ડેરી એનાલોગ્સગ સામે સરકારનો કડક અભિગમ
તાજેતરમાં ગુજરાત સરકારે બિન-પ્રમાણભૂત ડેરી એનાલોગ્સના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે. સરકારના જણાવ્યા અનુસાર આવા ઉત્પાદનો ગ્રાહકોને ભ્રમિત કરે છે અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન કરે છે. આ પ્રતિબંધનો હેતુ ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવા સાથે ડેરી ક્ષેત્રમાં ન્યાયસંગત વેપારને પ્રોત્સાહન આપવાનો છે.
વેપારીઓને નિયમોનું પાલન કરવાની સૂચના
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs), હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ડેરી ઉત્પાદકોને માત્ર પ્રમાણભૂત ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ અને વેચાણ કરવાની સૂચના આપી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં પણ આવી વિશેષ તપાસ ઝુંબેશ ચાલુ રાખશે જેથી ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ રહે
