રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલમાં ભાવનગરનો દબદબો, ડાંગને 13-2થી હરાવ્યું

Spread the love

માનવેન્દ્ર સિંહના 8 ગોલથી ભાવનગરનો શાનદાર વિજય; નવસારી અને સાબરકાંઠાએ પણ જીત નોંધાવી

ગાંધીનગર:

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડની મેચો ગાંધીનગર ખાતે રમાઈ રહી છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ ક્વાલિફાયર રાઉન્ડમાં રાજ્યની 18 જિલ્લા ટીમો ભાગ લઈ રહી છે. આજની મેચોમાં ભાવનગર, નવસારી અને સાબરકાંઠાની ટીમોએ વિજય મેળવ્યો હતો.

ભાવનગરનો ડાંગ સામે 13-2થી જંગી વિજય

આજની પ્રથમ મેચમાં ભાવનગરની ટીમે ડાંગને એકતરફી મુકાબલામાં 13-2થી પરાજય આપ્યો હતો. ભાવનગર તરફથી માનવેન્દ્ર સિંહે એકલા 8 ગોલ નોંધાવી ટીમના વિશાળ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાવનગરની ટીમે પોતાની બંને મેચ જીતી લેતાં નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

નવસારીનો તાપી સામે 1-0થી વિજય

બીજી મેચમાં નવસારી અને તાપીની ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. નવસારી તરફથી જાયદે કરેલા એકમાત્ર ગોલના આધારે નવસારીની ટીમે તાપીને 1-0થી હરાવી વિજય નોંધાવ્યો હતો. આ મુકાબલામાં નવસારીના એકમાત્ર ગોલે મેચનું પરિણામ નક્કી કર્યું હતું.

સાબરકાંઠાએ દાહોદને 3-1થી હરાવ્યું

આજની ત્રીજી મેચમાં સાબરકાંઠાની ટીમે દાહોદ સામે 3-1થી વિજય મેળવ્યો હતો. સાબરકાંઠા તરફથી કાર્તિક કુમારે હેટ્રિક નોંધાવી ત્રણ ગોલ કર્યા હતા. જ્યારે દાહોદ તરફથી વિપુલે એકમાત્ર ગોલ કર્યો હતો.

આવતીકાલે ત્રણ મુકાબલા

ટુર્નામેન્ટમાં આવતીકાલે ડાંગ અને વલસાડ, તાપી અને કચ્છ તેમજ દાહોદ અને દેવભૂમિ દ્વારકા વચ્ચે મુકાબલા રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *