ભારત પર્વ-2026માં કઠપૂતળીની કળાનું આકર્ષણ: પેઢીઓ જૂની લોકપરંપરાને જીવંત રાખી રહ્યા છે દિલ્હીથી આવેલા કલાકારો

Spread the love

લાલા ભાટ, કૂકી ભાટ અને લોલક બહેન કઠપૂતળીઓના માધ્યમથી મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે; ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર એકતાનગરમાં યોજાતું ભારત પર્વ બન્યું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ

રાજપીપળા

ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકળાઓ અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને નવી ઓળખ આપતું ‘ભારત પર્વ-2026’ એકતાનગરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર આયોજિત આ પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, હસ્તકલા, હેન્ડલૂમ, લોકસંગીત અને પરંપરાગત કલાઓની ઝાંખી જોવા મળી રહી છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતું આ આયોજન દેશની સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે રહેલી એકતા અને અખંડિતતાનો સંદેશ આપી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ભારત પર્વ માત્ર મનોરંજનનું સ્થળ નહીં, પરંતુ ભારતના વિવિધ પ્રદેશોની જીવનશૈલી, લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાને નજીકથી સમજવાનું માધ્યમ બની રહ્યું છે. અહીં વિવિધ રાજ્યોના થીમ પેવેલિયન પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. ખાસ કરીને પરંપરાગત લોકકળાઓની જીવંત રજૂઆત મુલાકાતીઓને ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાં સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.

આવા જ એક પેવેલિયનમાં દિલ્હી પ્રવાસન વિભાગના માધ્યમથી કઠપૂતળીની પરંપરાગત કળાનું પ્રદર્શન કરી રહેલા કલાકારો લાલા ભાટ, કૂકી ભાટ અને લોલક બહેન વિશેષ આકર્ષણ જમાવી રહ્યાં છે. રંગબેરંગી કઠપૂતળીઓની હિલચાલ, સંગીતની લય અને રસપ્રદ કથાઓના માધ્યમથી તેઓ વર્ષો જૂની લોકકલાને જીવંત રાખી રહ્યાં છે.

દાદા-પરદાદાના વારસાને આગળ વધારતા કલાકારો

પોતાની કલાયાત્રા વિશે વાત કરતાં કલાકાર લાલા ભાટ જણાવે છે કે, કઠપૂતળીનો ખેલ તેમના પરિવારનો પરંપરાગત વ્યવસાય છે. તેમના દાદા-પરદાદાના સમયથી આ કળા દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવે છે. પેઢી દર પેઢી મળેલા આ વારસાને તેઓ આજે પણ એટલી જ લગન અને ઉત્સાહથી આગળ ધપાવી રહ્યા છે. કઠપૂતળીના ખેલમાં અમરસિંહા ઢોલ, અનારકલી, રાજસ્થાનની જાણીતી પ્રેમગાથા ઢોલા-મારુ, કવ્વાલી અને ભાની પ્રસાદ જાદુગર જેવા વિવિધ લોકપાત્રો તથા કથાઓ રજૂ કરવામાં આવે છે.

મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનું માધ્યમ

કઠપૂતળીની કળા માત્ર મનોરંજન કે હાસ્ય પૂરતી મર્યાદિત નથી. વર્ષોથી આ લોકકલા લોકકથાઓ, નૈતિક મૂલ્યો, સામાજિક પ્રશ્નો અને જનજાગૃતિના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવાનું અસરકારક માધ્યમ રહી છે. સંગીત, સંવાદ, અભિનય અને પાત્રોની રસપ્રદ રજૂઆતના કારણે સામાન્ય લોકો પણ સંદેશને સરળતાથી સમજી શકે છે.

આજના ડિજિટલ યુગમાં જ્યારે મનોરંજનનાં અનેક આધુનિક માધ્યમો ઉપલબ્ધ છે, ત્યારે પણ કઠપૂતળી જેવી પરંપરાગત લોકકળાઓનું મહત્ત્વ ઘટ્યું નથી. ઊલટાનું, આવી કલાઓ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, લોકવારસો અને પરંપરાગત જીવનમૂલ્યો સાથે જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.

ગુજરાતની ધરતી પર કળા રજૂ કરવાની ખુશી

એકતાનગરમાં ભારત પર્વમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં લાલા ભાટ જણાવે છે કે ગુજરાતની ધરતી પર આટલા મોટા રાષ્ટ્રીય આયોજનમાં પોતાની કળા રજૂ કરવાની તક મળવી તેમના માટે ગૌરવ અને આનંદની વાત છે. આ સુંદર અવસર આપવા બદલ તેમણે દિલ્હી પ્રવાસન વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોના કલાકારો અને કારીગરો એક મંચ પર આવી રહ્યા છે. આવા આયોજનથી લુપ્ત થવાના આરે રહેલી પરંપરાગત કલાઓને પ્રોત્સાહન મળે છે અને કલાકારોને પોતાની કળા રજૂ કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું મંચ મળે છે. આમ, કઠપૂતળીની દોરીઓ સાથે જોડાયેલી આ પરંપરા માત્ર પાત્રોને નચાવતી નથી, પરંતુ દેશની સંસ્કૃતિ, એકતા અને વારસાના તાંતણાને પણ મજબૂત બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *