UIDAIની જાહેરાત; 31 ડિસેમ્બર 2026 સુધી મોબાઈલ એપ મારફતે ઈમેલ આઈડી અપડેટ કરવા કોઈ ફી નહીં લેવાય

નવી દિલ્હી:
આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની ઓળખ વ્યવસ્થાનું સંચાલન કરતી Unique Identification Authority of India (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સેવા આગામી છ મહિના માટે મફત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જુલાઈ 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી ઉમેરવા અથવા બદલવા માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. હાલમાં આ સેવા માટે રૂ. 75 ફી ચૂકવવી પડે છે.
માત્ર મોબાઈલ એપ દ્વારા મળશે લાભ
UIDAIના જણાવ્યા અનુસાર મફત સેવાનો લાભ માત્ર ‘આધાર મોબાઈલ એપ’ દ્વારા જ ઉપલબ્ધ રહેશે. સામાન્ય રીતે ઈમેલ આઈડી અપડેટ કે સુધારણા માટે GST સહિત રૂ. 75 વસૂલવામાં આવે છે, પરંતુ આગામી છ મહિનાની ખાસ ઝુંબેશ દરમિયાન એપ મારફતે કરવામાં આવતા અપડેટ માટે કોઈ ફી નહીં લેવામાં આવે. અન્ય કોઈ માધ્યમથી અપડેટ કરાવનારાઓએ નિયમિત ચાર્જ ચૂકવવાનો રહેશે.
ઈમેલ લિંક કરવાના અનેક ફાયદા
આધાર સાથે ઈમેલ આઈડી જોડાયેલી હોવાથી આધાર સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ, અપડેટ્સ અને સુરક્ષા સંદેશાઓ સીધા ઈમેલ પર પ્રાપ્ત થાય છે. ઉપરાંત, આધારનો કોઈ ગેરઉપયોગ કરવાનો પ્રયાસ થાય અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ નોંધાય તો તેની જાણ પણ તરત ઈમેલ દ્વારા થઈ શકે છે. ભવિષ્યમાં આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી ભૂલી જવાના સંજોગોમાં પણ ઈમેલ લિંક હોવાથી માહિતી પુનઃપ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.
ઈમેલ લિંક છે કે નહીં, આ રીતે કરો ચકાસણી
આધાર સાથે ઈમેલ આઈડી જોડાયેલી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર ‘My Aadhaar’ વિભાગમાં જઈ ‘Verify Email/Mobile Number’ વિકલ્પ પસંદ કરવો પડે છે. ત્યારબાદ આધાર નંબર, ઈમેલ આઈડી અને કેપ્ચા કોડ દાખલ કરીને OTP વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં ‘Aadhaar Authentication Successful’નો સંદેશ પ્રાપ્ત થાય છે.
ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન
UIDAIનો આ નિર્ણય વધુને વધુ લોકો આધાર સાથે ઈમેલ આઈડી જોડે અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ વધે તે હેતુથી લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ પગલું આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ, સુરક્ષિત અને સુલભ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
