ગુના સીટ સિંધિયા પરિવારનો ગઢ મનાય છે પરંતુ આ પરિવારનો જાદુ ગત ચૂંટણીમાં ઓસરી ગયો હતો
નવી દિલ્હી
આ વખતે લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. તેનું એક કારણ એ પણ છે કે ઘણાં એવા પક્ષપલટુ નેતાઓ છે જેઓ આમ-તેમ થયા છે. જેના લીધે રાજકીય પક્ષોએ તેનો લાભ લઇને એકબીજા સામે આવા જ ઉમેદવારોને ટિકિટ આપી દીધી છે. આ સૌની વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશની ગુના સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 2019માં સિંધિયાને આ જ સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કે.પી. સિંહ યાદવે જ્યોતિરાદિત્યને હરાવ્યા હતા.
સિંધિયા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાત ન જામતાં તેમણે બળવો કર્યો અને પછી સિંધિયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા. હવે ભાજપે સિંધિયાને લોકસભા ચૂંટણી મેદાને ઉતાર્યા છે. અત્યાર સુધી તેઓ ભાજપ વતી મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. સિંધિયા હજુ પણ છેલ્લી ચૂંટણીમાં ગુના સીટ પરથી મળેલી હારને ભૂલી શક્યા નથી. પરંતુ 2024ની ચૂંટણી તેમની સામે એક તક સમાન છે.
ગુના સીટ સિંધિયા પરિવારનું ગઢ મનાય છે પરંતુ આ પરિવારનો જાદુ ગત ચૂંટણીમાં ઓસરી ગયો હતો. આ વખતે કોંગ્રેસે પણ ઘેરાબંધી કરી છે. કોંગ્રેસે ગુના સીટ પર રાવ યાદવેન્દ્ર સિંહ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. યાદવેન્દ્ર સિંહ મુંગાવલીના યાદવ પરિવારના છે, જે સિંધિયાના પરંપરાગત હરીફ પણ છે. રાવ યાદવેન્દ્ર સિંહ યાદવના પિતા રાવ દેશરાજ સિંહ યાદવને લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંથી બે વખત મેદાનમાં ઉતાર્યા હતા.
સિંધિયા પહેલીવાર ગુના સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે આ સીટ પર તેમની સામે ભાજપનો જ પ્લાન અપનાવ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા કે.પી. સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે કોંગ્રેસે ભાજપના પૂર્વ નેતા યાદવેન્દ્ર સિંહ યાદવને લોકસભાની ટિકિટ આપીને સિંધિયાનો ખેલ કરી નાખવાનો પ્લાન બનાવ્યો છે.