૩૫ મુમુક્ષુઓ દ્વારા ૬૮ લાખ રૂપિયાનું વર્ષીદાન, ઉપકરણોની ઉછામણી ૫,૨૯,૮૭,૦૦૩ રૂપિયા થઈ

Spread the love

અમદાવાદ ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું.

સવારે ૬.૩૦ કલાકે મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી અને તેમનાં ધર્મપત્ની જિનલબહેનના નિવાસસ્થાન ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા થઈને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્ર્ન્ટ પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા, જ્યારે રાજનગર અમદાવાદના આશરે પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા.

વર્ષીદાનની યાત્રા અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી તે પછી સોમવારે સવારે ૬ વાગ્યે યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓ સાધુ બન્યા પછી જે ૧૮ વસ્ત્રો, પાત્રો, ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવાના છે, તેની ઉછામણી બોલાવવાની શરૂઆત થઈ હતી. આ ૧૮ ઉપકરણો પૈકી સાધુજીવનનાં પ્રતિક સમાન ઓઘાની અને મુહપત્તિની ઉછામણી બોલાવવામાં આવતી નથી; પણ તે લાભ મુમુક્ષુના પરિવારને આપવામાં આવે છે.

ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો મળીને કુલ ૧૬ ઉપકરણોની ઉછામણી બોલવામાં આવી હતી. આ ઉપકરણોને કુલ પાંચ જૂથોમાં વહેંચીને તેની ઉછામણી બોલવામાં આવી હતી. આ રીતે કુલ ૩૫ મુમુક્ષુઓ માટે ૧૭૫ ઉછામણી બોલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે ૬૯,૯૧, ૨૨૨ રૂ.ની બોલવામાં આવી હતી.

૩૫ મુમુક્ષુઓ પૈકી જે ટોપ ટેન ઉછામણી બોલાઈ તે નીચે મુજબ હતી :

(૧) રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા : રૂ. ૬૯,૯૧,૨૨૨

(૨) માન્ય વિજયભાઈ શાહ  : રૂ. ૬૫,૦૯,૩૩૭

(૩) વિદિતકુમાર સુમેરમલજી મહેતા : રૂ. ૫૫,૭૫,૨૨૨

(૪) ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી : રૂ. ૪૨,૪૨,૫૫૫

(૫) દેવેશ નંદિષેણભાઈ રાતડિયા રૂ. ૩૪,૮૭,૦૯૬

(૬) હિનલ સંજયભાઈ જૈન : રૂ. ૨૯,૭૯,૦૦૦

(૭) ભવ્ય મહેન્દ્રકુમાર સિસોદિયા : રૂ. ૨૪,૯૬,૦૦૦

(૮) જૈની ગૌતમકુમાર કોઠારી : રૂ. ૨૧,૯૪,૦૦૦

(૯) જિનલબહેન ભાવેશભાઈ ભંડારી : રૂ. ૨૦,૯૫,૦૦૦

(૧૦) હિતજ્ઞકુમાર શ્રેયાંસભાઈ સંઘવી : રૂ. ૧૫,૧૯,૯૦૬

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *