ટ્રસ્ટની જમીન ખરીદીમાં 13 કરોડની છેતરપિંડી, કર્મચારીઓના હક્ક ન આપી વગર નોટિસે કાઢી મુકાયા, ક્ષુલ્લક પગારે કામ કરતા કર્મચારીઓને અન્યાય, પ્રમુખને પણ જાણ કર્યા વગર ગેરકાયદેસર હાટાવી દેવાયા
અમદાવાદ
ગાંધીજીના સત્યના પ્રયોગો સમાન નશામુક્તિ માટે રાજ્યમાં નશાબંધી મંડળની 1960માં સ્થાપના કરવામાં આવી હતી. ગાંધી વિચારો સાથે તેમના વિચારોને અનુસરનારાઓ દ્વારા રાજ્યમાં નશાની બદીને ડામવા રચવામાં આવેલા મંડળમાં ભ્રષ્ટ અને આપખુદશાહી હોદ્દેદારોએ સત્તા સંભાળ્યા બાદથી છેલ્લા અઢી દાયકામાં અંદદાજે 50 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સૌથી ગંભીર કહી શકાય એવી બાબત તો એ છે કે સંસ્થાના હોદ્દેદારોએ એક શખ્સના મેળાપીપણામાં મંડળ માટેની જમીનના નામે 13 કરોડની છેતરપિંડી કરી હોવાની પણ ફરિયાદ પોલીસમાં થઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી ચાલતા ટ્રસ્ટમાં મસમોટા ભ્રષ્ટાચાર અને છેતપિંડી જેવા ગંભીર બનાવોની ફરિયાદ થવા છતાં સરકાર કે ચેરિટી કમિશનર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા મંડળના પ્રમુખે સમગ્ર ઘટનાઓનો આજરોજ ખુલસો કર્યો હતો.
મંડળને કેન્દ્ર-રાજ્યની વાર્ષિક ગાન્ટ્ર મળે છે
ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રસ્ટને વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા મંડળ હેઠળની હોસ્પિટલ્સ માટે દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ અને રાજ્ય સરકાર દ્વારા મંડળના સંચાલન માટે વાર્ષિક 10 લાખથી વધુની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ભંડોળમાંથી મોટી ખાયકી કરવામાં આવી છે.
સત્તવાર પ્રમુખ સહિત હોદ્દેદારોને જાણ વગર પદભ્રષ્ટ કરાયા
વિવેક દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે મંડળના પ્રમુખ તરીકે 2021માં કાર્યભાર સંભાળ્યા બાદ તમામ કૌભાંડો ધ્યાને આવતા વિરોધ અને જમીન ખરીદીમાં છેતરપિંડીની ફરિયાદ કરાતા વર્ષોથી મંડળ પર કબજો જમાવી બેઠેલા પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, ગુજરાત સરકારના પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને જિતેન્દ્ર અમીને પ્રવર્તમાન પ્રમુખ સહિતના હોદ્દેદારોને કોઈ જ જાણ કર્યા વગર ગેરકાયદેસર રીતે હટાવી દીધા હતા. આ અંગે ચેરિટી કમિશનરને જાણ કરાઈ છે.
પ્રકાશચંદ્ર અગ્રવાલે વગર જમીને 13 કરોડ ઓળવી લીધા
કરસનદાસ સોનેરી એન્ડ કુ.એ મંડળ માટેની અમદાવાદમાં જમીન ખરીદવા પેટે ચેકથી 13 કરોડની ચુકવણી પ્રકાશચંદ્ર અગ્રવાલને કરી હતી. જોકે, આ જમીનના કોઈ જ દસ્તાવેજ કે જમીનની સોંપણી સંસ્થાને કરવામાં આવી નહતી. આ બાબત ધ્યાને આવતા વિવેક દેસાઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ પણ કરી છે.
કર્મચારીઓને સરકારી ધોરણ મુજબ પગાર પણ ચુકવાયો નથી
નશાબંધી મંડળ ગુજરાત’ સાથે સંકળાયેલા આગેવાન પંકજ સાગરે જણાવ્યું હતું કે નશાબંધી મંડળ ગુજરાત ટ્રસ્ટ નશામુક્તિનું કામ કરતાં અધિકારીઓ દ્વારા જ ચાલે છે, આ માટે ગુજરાત સરકારે નશાબંધી મંડળના પ્રચાર-પ્રસાર માટે કર્મચારીઓનું મહેકમ પણ નક્કી કર્યું છે. સરકારે આ કર્મચારીઓનું પગારધોરણ નક્કી કર્યું છે તે 1997થી ચુકવવામાં આવ્યું નથી. આમ કર્મચારીઓનો પગાર પણ ઉપરોક્ત ટ્રસ્ટીઓ ચાઉ કરી ગયા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જે નિયોજકો આ કામ કરે છે તેમને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા તપાસની માગ
વિવેક દેસાઈએ મંડળ અને તેમાં વર્ષોથી કામ કરનારાઓના હિતમાં સબંધિત તમામ સ્તરે રજૂઆત અને ફરિયાદ કરવામાં આવ્યા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હોઈ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્ર-રાજ્ય સરકાર યોગ્ય તપાસ કરાવી મંડળનો વહિવટ ચેરિટી કમિશ્નરને સોંપવા અને કૌભાંડના દોષિતો સામે ત્વરિત પગલાં લેવાની માગ કરી છે.
.