રાજ્યના રાજ્યના સ્પોટર્સ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર મેગા ઈવેન્ટના આયોજનના અભ્યાસ માટે પેરિસ જશે

ગાંધીનગર
પેરિસ ઓલિમ્પિકની 16 રમતોમાં ભાગ લેનારા દેશના 117 ખેલાડીઓમાંના ગુજરાતના પાંચ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા 10-10 લાખની વધારાની સહાય આપવામાં આવી છે. શુક્રવારે શાનદાર ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂ થયેલી સમર ઓલિમ્પિક ગેમ્સ 11 ઓગસ્ટે પૂરી થશે. રાજ્યને આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા ગયેલા ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. ગુજરાતના ખેલાડીઓમાં ત્રણ ઓલિમ્પિયન અને બે પેરાઓલિમ્પિયન ખેલાડીઓને સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજના અંતર્ગત તમામ સહાય પૂરી પાડવામાં આવી હોવાનું રાજ્યના સ્પોટર્સ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.
ભારત 2036માં ઓલિમ્પિકના યજમાન બનવા પ્રતિબધ્ધ છે ત્યારે ઓલિમ્પિકના આયોજન અભ્યાસ માટે રાજ્ય સરકારના આ અધિકારી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા દેશના ચાર પ્રતિનિધિઓમાંના એક તરીકે પેરિસ જશે. આ રમતો દરમિયાન દેશમાં ઓલિમ્પિક ચળવળને વેગ આપવા કેન્દ્ર સરકારની સાથો સાથ ગુજરાત સરકારે પણ છેલ્લા કેટલાક વર્ષોથી રમતવીરોને તેમની રમતગમતની પાયાના સ્તરથી વિશિષ્ટ સ્તર સુધી સમગ્ર સફરમાં સમર્થન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓમાં ઇનસ્કુલ, જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ, સેન્ટર ઓફ એક્સિલન્સ, એકેડમી અને શક્તિદૂતનો સમાવેશ થાય છે. ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ટોચના રમતવીરને શક્તિદૂત યોજના દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ રમતવીરોને તેમની રમતગમતની યાત્રા દરમિયાન વિશેષ સહાય પૂરી પાડવામાં આવે છે. શક્તિદૂત યોજનાના પસંદગીના માપદંડો વિવિધ રમત સ્પર્ધાઓમાં રમતવીરોના પ્રદર્શન પર આધારિત છે. આ યોજના હેઠળ તાલીમ, સ્પર્ધાઓ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને ટોચના ખેલાડીઓને વાર્ષિક અનુદાન આપવામાં આવે છે. હાલમાં આ યોજના હેઠળ રાજ્યના 64 ખેલાડીઓને સહાય આપવામાં આવી રહી છે.
અશ્વિની કુમારે વધુ માહિતી આપા જણાવ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિક દરમિયાન ઓલિમ્પિક ગેમ્સ અને વ્યાપક ઓલિમ્પિક ચળવળ વિશે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં વિવિધ પહેલનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલિમ્પિકમાં ભારતીય રમતવીરોના પ્રદર્શનની મુખ્ય ક્ષણો અને હાઇલાઇટ્સ વિવિધ શહેરોમાં ડિજિટલ સ્ક્રીન પર પ્રદર્શિત કરાશે. નાગરિકોને ઓલિમ્પિક સાથે જોડવા માટે મુખ્ય સ્થળોએ સેલ્ફી સ્ટેન્ડ, સ્ટેન્ડી અને હોર્ડિંગ્સ લગાવવામાં આવશે.
આરોગ્ય અને ફિટનેસ વિશે જાગૃતિ લાવવા માટે ‘એક્ટિવ સ્ટ્રીટ્સ’ જેવા અભિયાનો યોજવામાં આવશે. રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ દ્વારા ટગ-ઓફ-વોર, સ્ટ્રીટ ફૂટબોલ, સાયકલિંગ, હોપસ્કોચ અને દોરડાં કૂદ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રાજ્યભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ચળવળ વિશે જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓને જોડવા અને ઓલિમ્પિક મૂલ્યો અને તેમના મહત્વની સમજને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરેક્ટિવ વર્કશોપ, ક્વિઝ અને પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાશે.