રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને ડેલ્ટા ગેલીલે ભારતમાં વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love

રિલાયન્સ રિટેલ સાથેના સંયુક્ત સાહસ થકી ડેલ્ટા ગેલીલ ભારતમાં તેના બિઝનેસનું વિસ્તરણ કરશે અને ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરતું એપેરલ ઈનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરશે

મુંબઈ / સેસરિયા, ઇઝરાયેલ

ભારતના અગ્રણી રિટેલર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ) અને બ્રાન્ડેડ તથા પ્રાઇવેટ લેબલ ઇન્ટિમેટ, એક્ટિવવેર, લાઉન્જવેર અને સ્ત્રીઓ, પુરુષો તથા બાળકોના ડેનિમ એપેરેલના વૈશ્વિક ઉત્પાદક અને માર્કેટર ડેલ્ટા ગેલીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (ડીઇએલજી/તેલ અવીવ સ્ટોક એક્સચેન્જ) આજે ભારતમાં વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. 50/50 હિસ્સેદારીના સંયુક્ત સાહસનો હેતુ ભારતીય બજારમાં એપેરલ લેન્ડસ્કેપને ફરીથી આલેખવાનો છે.

આ ભાગીદારી ભારતીય ગ્રાહકોની અનન્ય માંગને પહોંચી વળવા માટે સમર્પિત એપેરલ ઇનોવેશન પ્લેટફોર્મની સ્થાપના કરવાનો ઇરાદો ધરાવે છે. તેની નવીનતા અને ઉત્પાદન ઉત્કૃષ્ટતા માટે પ્રખ્યાત ડેલ્ટા ગેલીલ ઝડપથી વિકસતા ભારતીય બજારમાં તેની હાજરીને વિસ્તારવા માટે આ સંયુક્ત સાહસનો લાભ ઉઠાવશે, તે સાથે રિટેલ, હોલસેલ અને ડિજિટલ ચેનલોમાં તેના ઇન્ટિમેટ અપેરેલ અને એક્ટિવવેર બ્રાન્ડ્સનો વખાણાયેલો પોર્ટફોલિયો ઓફર કરશે. આ સહયોગ થકી ડેલ્ટા ગેલીલ રિલાયન્સની પોતાની સુસ્થાપિત બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સના ડિઝાઇન અને ઉત્પાદન માટે સંયુક્ત સાહસને પણ મદદ કરશે.

રિલાયન્સ રિટેલ પોર્ટફોલિયોમાં મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ડેલ્ટા ગેલીલને આવકારતાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “ડેલ્ટા ગેલીલની ઇન્ટિમેટ અપેરેલ અને એક્ટિવવેરમાં ગ્લોબલ ઇનોવેટર તરીકેની પ્રતિષ્ઠા ભારતીય ગ્રાહકો માટે ગુણવત્તા પૂરી પાડવા અને નવીન ઉત્પાદનો રજૂ કરવાની રિલાયન્સ રિટેલની પ્રતિબદ્ધતા સાથે ખૂબ જ સુસંગત છે. સાથે મળીને અમે અમારા રિટેલ પ્લેટફોર્મ પર ઇન્ટિમેટ અપેરેલ અને એક્ટિવવેર સેગમેન્ટ્સમાં ગ્રાહકો માટે વિવિધતામાં વધારો કરવા તૈયાર છીએ.”

ડેલ્ટા ગેલીલના સીઇઓ આઇઝેક ડાબાહે ઉપરોક્ત ભાવનાને દોહરાવતાં ભાગીદારીના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. “રિલાયન્સ રિટેલ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી રિટેલ કંપનીઓમાંની એક છે અને અમને કંપની સાથે ભાગીદારી કરવામાં અત્યંત ગર્વ છે કારણ કે અમે 1.4 બિલિયનથી વધુ ગ્રાહકોનું ઘર એવા ભારતનું ગતિશીલ બજાર સર કરવા તૈયાર છીએ,” તેમ ડાબાહે કહ્યું હતું. “આ સહયોગ અમને રિલાયન્સ રિટેલના વ્યાપક રિટેલ નેટવર્ક અને વિતરણની પહોંચ સાથે અમારી પ્રોડક્ટ ડિઝાઇન, ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગની ક્ષમતાનું સંયોજન કરવાની અનુકૂળતા કરી આપશે, તેનાથી સમગ્ર દેશમાં ઇન્ટિમેટ અપેરેલ અને એક્ટિવવેર કેટેગરીનો ઝડપી વિકાસ સાધવાનો માર્ગ ખુલશે. અમે આગામી 18 મહિનામાં ડેલ્ટા ફેમિલી લાઇફસ્ટાઇલ સ્ટોર્સ અને પુરુષો તથા મહિલાઓના ઇન્ટિમેટ અપેરેલની એથેના બ્રાન્ડના પ્રારંભિક લોન્ચ સાથે રિલાયન્સ સાથેની આ સફર શરૂ કરવા આતુર છીએ.”

ભારતની સૌથી મોટી રિટેલ કંપની તરીકે રિલાયન્સ રિટેલ અપ્રતિમ સ્થાનિક વેચાણ અને વિતરણ કુશળતા ધરાવે છે. આ સંયુક્ત સાહસ થકી રિલાયન્સ રિટેલને ડેલ્ટા ગેલીલની ઊંડાણપૂર્વકની ઉદ્યોગ નિપુણતા અને ઇન્ટિમેટ અપેરેલ તથા એક્ટિવવેર ક્ષેત્રે નવીનતા લાવવાની ક્ષમતાઓ હાંસલ કરવામાં સક્ષમ બનાવશે, આ બંને પ્રોડક્ટ કેટેગરી ભારતીય બજારમાં નોંધપાત્ર રીતે વૃદ્ધિ કરવા માટે તૈયાર છે.

Total Visiters :132 Total: 1499398

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *