28 જિલ્લાની ટીમો ભાગ લેશે: પીડીઈયુ,
ગાંધીનગર અને એસએજી, નિકોલ ખાતે મુકાબલા યોજાશે
અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન (જી.એસ.એફ.એ.) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે, જે ગુજરાતભરમાં ટોચની ફૂટબોલ પ્રતિભાને ઝળકાવનારી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બની રહી છે. આ ટૂર્નામેન્ટનો ગઈકાલ 15 સપ્ટેમ્બરથી ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઈ.યુ.) ફૂટબોલ ગ્રાઉન્ડ તથા અમદાવાદના નિકોલમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (એસ.એ.જી.) ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે.
આ વર્ષના રિલાયન્સ કપમાં પ્રતિષ્ઠિત ટ્રોફી માટે 28 જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે. વર્તમાન ચેમ્પિયન જૂનાગઢને તેમનું ટાઈટલ જાળવી રાખવા આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ ટીમોને એસ.એ.જી. ગાંધીનગર અને એસ.એ.જી. નિકોલ સ્પોર્ટ્સ હોલ્ટેલમાં રહેવાની સગવડ આપવામાં આવી છે.
રાજ્યસભાના સાંસદ, જી.એસ.એફ.એ.ના પ્રમુખ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) શ્રી પરિમલ નથવાણીએ આ ટૂર્નામેન્ટના શુભારંભ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં 28 જિલ્લાની ટીમ ભાગ લઈ રહી હોય. જીએસએફએ ખાતે, અમારા માટે તો આ એક સીમાચિહ્નરૂપ અવસર છે. આ બાબત રાજ્યભરમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપીને તેના વિકાસ માટે જીએસએફએ દ્વારા કરાઈ રહેલા અથાગ પ્રયત્નોની સફળતા દર્શાવે છે. ફૂટબોલ પ્રતિભાઓની માવજત કરીને તેમને આગળ લઈ જવાની અમારી વચનબદ્ધતા અડીખમ છે, અને અમે આગળ પણ આવનારા વર્ષોમાં આ હકારાત્મક પ્રયાસોને ચાલુ રાખીશું.
આ ટૂર્નામેન્ટ બે-સ્તરે યોજવામાં આવી છે, જે અંતર્ગત કુલ 49 મેચ યોજાશે. પ્રથમ સ્તરમાં કુલ 12 ટીમ ભાગ લેશે. જેમાં ગત વર્ષના પ્રદર્શનના આધારે આઠ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે, જ્યારે બાકીના ચાર સ્થાન માટે દ્વિતીય સ્તરની 20 ટીમો વચ્ચે લીગ-કમ-નોકઆઉટ ફોર્મેટમાં મુકાબલા થશે.
રિલાયન્સ કપમાં રાજ્યભરના 560થી વધુ ખેલાડીઓને તેમની ક્ષમતા પ્રદર્શિત કરવાની તક મળશે તેની સાથે આ ટૂર્નામેન્ટ ઉભરતી પ્રતિભાઓને પણ અગત્યનો મંચ પૂરો પાડે છે. સ્કાઉટ્સ અને સિલેક્ટર્સ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહીને પ્રિ-નેશનલ કેમ્પ માટે સંભવિત પસંદગી કરવા પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરશે કારણ કે આનો મુખ્ય ઉદ્દેશ તો પ્રતિષ્ઠિત સંતોષ ટ્રોફી ખાતે ગુજરાતની સિનિયર મેન્સ ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો રહેશે.
રિલાયન્સ કપની ફાઈનલ મેચ આગામી 28મી સપ્ટેમ્બરે પી.ડી.ઈ.યુ., ગાંધીનગર ખાતે યોજાશે. જી.એસ.એફ.એ. ગુજરાત રાજ્યભરમાં ફૂટબોલને આગળ લઈ જવા અને તેને પ્રમોટ કરવા વચનબદ્ધ છે. વિવિધ ટૂર્નામેન્ટ તેમજ વિકાસની પહેલોનો હેતુ રાજ્યમાં ફૂટબોલ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓની માવજત કરવાનો તેમજ રમતનું સ્તર ઊંચુ લાવવાનો છે.