રી-ઇન્વેસ્ટ 2024 –ગુજરાત મુખ્ય ઉદ્યોગ અગ્રણીઓ તથા સંશોધકો સાથે ગ્રીન હાઇડ્રોજન એજન્ડાને આગળ ધપાવે છે

Spread the love

મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સીઈઓ રાઉન્ડટેબલમાં ગુજરાતમાં ગ્રીન જોબ્સ થકી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને વેગ આપવા અંગે ચર્ચા યોજાઈ

ગાંધીનગર

ભારત સરકારના નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો (RE-INVEST 2024)ની ચોથી એડિશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ પ્રતિષ્ઠિત સમિટની વિશેષતા ગુજરાતમાં ગ્રીન જોબ્સ થકી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને વેગ આપવા અંગેની સીઈઓ રાઉન્ડટેબલ ચર્ચા હતી જે 16મી સપ્ટેમ્બરે બપોરે 2 વાગે યોજાઈ હતી. આ મહત્વના સેશનનું આયોજન ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનમાં પ્રદાન માટેના તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં લાંબા સમયથી અગ્રીમ હરોળમાં રહ્યું છે અને ગ્રીન હાઇડ્રોજન ક્રાંતિમાં મોખરાની સ્થિતિ મેળવી છે. રાજ્યમાં સ્થાનિક સ્તરે હાઇડ્રોજનની નોંધપાત્ર માંગ છે અને મજબૂત આરઈ સંભાવનાઓ, સમર્પિત ટ્રાન્સમિશન કોરિડોર તથા ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે વિશાળ જમીનો જેવા પુરવઠા બાબતોની ગહન સંસાધન ક્ષમતાઓ ધરાવે છે.

આ રાઉન્ડટેબલની અધ્યક્ષતા ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ આઈએએસ શ્રી એસ જે હૈદરે સંભાળી હતી. ચર્ચાનું મુખ્ય ધ્યાન ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમને આગળ ધપાવવા માટે ગુજરાતના વ્યૂહાત્મક પહેલો પર હતું જેમાં રાજ્ય સરકાર વર્ષે 3 મિલિયન મેટ્રિક ટન (એમએમટીપીએ) ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું લક્ષ્ય રાખી રહી છે. સેશનમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનમાં મહત્વની ભૂમિકા ભજવવા માટેની ગુજરાતની સંભાવનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ રાઉન્ડટેબલનો પ્રારંભ મજબૂત ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ગુજરાતની પ્રતિબદ્ધતાના મજબૂત પુનરોચ્ચાર સાથે થયો હતો. માહિતીસભર ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનમાં આ ક્ષેત્રે ગુજરાતની મજબૂત સંભાવનાઓ દર્શાવાઈ હતી જેમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં ગુજરાતને અગ્રણી તરીકે મૂકવા માટે પહેલેથી જ હાથ ધરાયેલી પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

“ભારતની પુનઃવપરાશી ઊર્જા સફરમાં અગ્રેસર રહેલા રાજ્ય તરીકે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં ઝડપ લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સીઈઓ રાઉન્ડટેબલ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ઉદ્યોગના અગ્રણીઓ અને હિસ્સેદારો સાથે સહયોગ સાધવાના અમારા મિશનમાં એક મહત્વનું પગલું છે. રિન્યૂએબલ એનર્જી અને ઉદ્યોગ ક્ષમતામાં ગુજરાતની વ્યૂહાત્મક પ્રગતિનો લાભ લઇને અમે રાજ્યને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તથા નિકાસમાં ગ્લોબલ લીડર બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ”, એમ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ આઈએએસ એસ જે હૈદરે જણાવ્યું હતું.

ગ્રીન હાઇડ્રોજન ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર નિશાંથ બાલાશણ્મુગમ દ્વારા મોડરેટ કરાયેલી આ રાઉન્ડટેબલ ચર્ચામાં ગ્રીન હાઇડ્રોજનને આર્થિક રીતે પોસાય તેવી બનાવવા અંગે મહત્વની ચર્ચા હાથ ધરાઈ હતી. રિન્યૂ, હાઇજેન્કો, ગોએન્કા ગ્રુપ અને કેપીએમજી જેવી ટોચની કંપનીઓના ઉદ્યોગ અગ્રણીઓએ ગ્રીન હાઇડ્રોજનની કિંમત પર પ્રભાવ પાડતા મહત્વના પરિબળો, ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સના વ્યૂહાત્મક લાભો તેમજ હાઇડ્રોજન શિપિંગના લોજિસ્ટિક પડકારો પર મૂલ્યવાન આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી.

રાઉન્ડટેબલમાં ન્યૂટ્રેસ અને ઓસસ બાયોરિન્યૂએબલ્સ જેવા નવીનતમ સ્ટાર્ટઅપ્સ તરફથી ઇનપુટ્સ પણ રજૂ કરાયા હતા જેમણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે બાયોમાસ અને વેસ્ટવોટરનો લાભ લેવા અંગેના નવા વિચારો રજૂ કર્યા હતા. આ સ્ટાર્ટઅપ્સે કિફાયતી અને પર્યાવરણને સાનુકૂળ હોય તેવી ટેક્નોલોજી સાથે ગ્રીન હાઇડ્રોજન સોલ્યુશન્સને વધારવા માટે નવા જ દ્રષ્ટિકોણ ઉમેર્યા હતા.

આ રાઉન્ડટેબલ ગુજરાતની ગ્રીન હાઇડ્રોજન મહત્વાકાંક્ષાઓને વેગ આપવા માટે મુખ્ય હિસ્સેદારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપતા, મજબૂત ચર્ચાઓ માટે એક મંચ બની રહી હતી. સહભાગીઓએ ગ્રીન જોબ્સનું સર્જન કરવા અને ઉદ્યોગની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓ વચ્ચેના સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પુનઃપ્રાપ્ય ઊર્જા સંદર્ભે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ મહત્વપૂર્ણ ડેટા અને આંકડા રજૂ કર્યા હતા જે આ ક્ષેત્રમાં ગુજરાતની શક્તિ અને સંભવિતતા દર્શાવે છે. ગુજરાત 12 ગિગાવોટથી વધુ પવન ઊર્જા અને 14 ગિગાવોટ સૌર ઊર્જા ક્ષમતા ધરાવે છે, જેમાં રૂફટોપ સોલારમાંથી 4 ગિગાવોટનો સમાવેશ થાય છે. રાજ્ય દેશની સૌથી વધુ પવન ઊર્જા ક્ષમતા, બીજા ક્રમની સૌથી વધુ સૌર ઊર્જા ક્ષમતા અને સૌથી વધુ રૂફટોપ સોલાર ક્ષમતા ધરાવે છે. ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલિસી 2023 પોલિસીએ રિન્યૂએબલ એનર્જીમાં નોંધપાત્ર રોકાણો, વૃદ્ધિ અને નવીનતા માટેનો માર્ગ મોકળો કર્યો છે. આજની તારીખે, વર્તમાન આરઈક્ષમતા 29 ગિગાવોટથી વધુ છે અને સમગ્ર રાજ્યની સ્થાપિત ક્ષમતામાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાત વર્ષ 2030 સુધીમાં 100 ગિગાવોટ રિન્યૂએબલ એનર્જીનું લક્ષ્ય ધરાવે છે અને વર્ષ 2030 સુધીમાં રિન્યૂએબલ સ્ત્રોતોમાંથી 50 ટકા વીજળીની જરૂરિયાતો મેળવવાના લક્ષ્ય સાથે નોંધપાત્ર યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્ય ચોવીસ કલાક પાવરને પ્રોત્સાહન આપવા માટે ઓફશોર વિન્ડ, વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગુજરાત કેન્દ્ર સરકારની વીજીએફ ગ્રાન્ટ દ્વારા પહેલા તબક્કામાં 500 મેગાવોટનો ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે. રાજ્યમાં પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે અંદાજિત 30 ગિગાવોટ ક્ષમતા છે અને પીએસપી પોલિસી રજૂ થવા જઈ રહી છે.

પોતાના સમાપન સંબોધનમાંશ્રી એસ જે હૈદરે ગ્રીન હાઇડ્રોજન એજન્ડાને આગળ વધારવા માટે ગુજરાત સરકારના સમર્પણની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે ઉદ્યોગના અગ્રણીઓ અને સ્ટાર્ટઅપ્સને ખાતરી આપી હતી કે રાજ્ય તેમના મૂલ્યવાન ઇનપુટ્સ પર સક્રિયપણે વિચારણા કરશે તથારિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં નવી રોજગારીની તકો ઊભી કરીને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં નેતૃત્વ કરવાના તેના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

સીઈઓ રાઉન્ડટેબલે ભારતના ગ્રીન હાઇડ્રોજન લક્ષ્યાંકોમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાતની તૈયારીને રજૂ કરી હતી અનેસ્વચ્છ ઊર્જા સોલ્યુશન્સ લાવવામાં તેમજ ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવામાં રાજ્યનું નેતૃત્વ દર્શાવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *