ખેલાડીઓની આગેકૂચ જારી, વૈદેહી ચૌધરી ક્વાર્ટર ફાઈનલમાં, ઓસી.ની રોડિયોનોવા જીતી
અમદાવાદ
એસીટીએફ ખાતે રમાતી આઈટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિદેશી ખેલાડીઓએ આગેકૂચ જારી રાખી હતી. ભારતની નંબર-૧ સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાના અભિયાનનો અંત આવ્યો હતો પરંતુ ગુજરાતની ખેલાડી વૈદેહી ચૌધરીએ વિજય હાંસલ કરીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ટૂર્નામેન્ટમાં સાતમો ક્રમાંક ધરાવતી અંકિતાનો કોરિયાની સોહ યૂન પાર્ક સામે સીધા સેટમાં ૭-૫, ૬-૪થી પરાજય થયો હતો. અંકિતાએ પ્રથમ સેટમાં ૪-૧ની લીડ સાથે પ્રભાવશાળી શરૂઆત કરી હતી અને એક સમયે સ્કોર ૫-૨નો પણ કર્યો હતો પરંતુ ત્યારબાદ તેણે રિધમ ગુમાવી હતી અને કેટલીક સામાન્ય ભૂલો કરી હતી જેનો કોરિયન ખેલાડીને ફાયદો ઉઠાવ્યો હતો.


ગુજરાતની વૈદેહીએ બુધવારે ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જનાર આકાંક્ષા નિત્તુરે સામે કોઇ પણ મુશ્કેલી વિના ૬-૩, ૬-૨ના સ્કોરથી મુકાબલો જીતીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. વૈદેહીએ મેચમાં પ્રથમ સર્વિસમાં ૩૨ તથા સેકન્ડ સર્વિસમાં સાત પોઈન્ટ હાંસલ કર્યા હતા. અન્ય મેચમાં ટોચની ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એરિના રોડિયોનોવાએ પોલિના ઈતેચેન્કોને બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ ૪-૬, ૭-૬ (૯-૭), ૬-૦થી વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ચાર એસ ફટકાર્યા હતા.
જાપાનની હારુકા કાજીએ ભારતની શ્રીવાલી રશ્મિકાને ૭-૬, ૬-૪થી, ફ્રાન્સની છઠ્ઠી ક્રમાંકિત એમાન્ડીને હેસેએ ઇટાલીની ફ્રાન્સેસ્કા પેસને ૭-૬, ૬-૨થી, એટરિના રેનેગોલ્ડે મારિયા ગોલોવિનાને ૫-૭, ૬-૫, ૬-૧થી, એનેસ્તેસિયા ગુરેવાએ જર્મનીની એન્ટોનિયા શીમિડ્ટને ૬-૨.૬-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.