ડીયર પાર્કમાં હાજર 600 હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો

નવી દિલ્હી
દિલ્હીનું 63 વર્ષ જૂનું મિની પ્રાણી સંગ્રહાલય હરણ પાર્ક હવે બંધ થવા જઈ રહ્યુ છે. કેન્દ્રના અધિકારીઓએ ડિયર પાર્કની માન્યતા રદ કરી દીધી છે. જે બાદ હવે ત્યાં હાજર હરણોને રાજસ્થાન અને દિલ્હીના જંગલોમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્કની માન્યતા રદ કરવાનું કારણ ઝડપથી વધતા પ્રાણીઓની સંખ્યા અને મેન પાવરની અછતને ગણાવાયુ છે.
પાર્કની માન્યતા રદ કરવાનો આદેશ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના અંતર્ગત આવતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (સીઝેડએ) એ જાહેર કર્યો છે. આ પાર્કમાં 1960ના દાયકામાં છ હરણ લાવવામાં આવ્યા હતા. સમય સાથે હવે તેની સંખ્યા લગભગ 600 થઈ ગઈ છે. સીઝેડએએ 8 જૂને ડિયર પાર્કની મિની પ્રાણી સંગ્રહાલય તરીકે માન્યતા રદ કરવાનો આદેશ જારી કર્યો હતો.
આ પાર્કને મોટાભાગે એએન ઝા ડિયર પાર્કના નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણ દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં સ્થિત આ પાર્કમાં પરિવાર પિકનિક મનાવવા કે હેન્ગઆઉટ કરવા માટે આવે છે. આ પાર્ક દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) ના અધિકાર વિસ્તારમાં આવે છે. જોકે ડીડીએના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે પાર્કનું પરિસર પહેલાની જેમ વિઝિટર્સ માટે ખુલ્લુ રહેશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રાણીઓની સંખ્યામાં ઝડપથી થતો વધારો અને બીમારી ફેલાવાની સંભાવનાના કારણે આની માન્યતા રદ કરવામાં આવી છે. ત્યાં ટ્રેન્ડ કર્મચારીઓની પણ અછત હતી. પાર્કમાંથી 70 ટકા પ્રાણીઓને રાજસ્થાનમાં છોડવામાં આવશે જ્યારે 30 ટકાને દિલ્હી-એનસીઆરના જંગલોમાં છોડવામાં આવશે. ડીયર પાર્કથી હરણ હટાવ્યા બાદ તેને સંરક્ષિત જંગલ તરીકે ડેવલપ કરવામાં આવશે.
સીઝેડએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અધિકારીઓએ પાર્કને ગ્રીન બેલ્ટ રાખવાનો વિશ્વાસ અપાવ્યો છે. તેનો ઉપયોગ કોઈ પણ નિર્માણ ગતિવિધિઓ માટે કરવામાં આવશે નહીં. હરણોને વન વિસ્તારોમાં સ્થળાંતરિત કર્યા પહેલા એ નક્કી કરવામાં આવશે કે તેમાં કોઈ બીમારી તો નથી.