સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશનની એજીએમમાં વિશ્વનાથન આનંદને સન્માનવાનો નિર્ણય
ભુવનેશ્વર
ભારત જ નહીં પરંતુ વિશ્વના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદને 2024ના વર્ષ માટેના એસજેએફઆઈ (સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના પ્રતિષ્ઠિત SJFI મેડલ 2024 એનાયત કરાશે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ફેડરેશનની બેઠકમાં આનંદ માટે આ એવોર્ડની જાહેરાત કરાઈ હતી.
વિશ્વનાથન આનંદ ગ્રાન્ડમાસ્ટર છે અને તેણે ઘણા વર્લ્ડ ટાઇટલ જીત્યા છે. છેલ્લા ચાર દાયકાથી ચેસ સાથે સંકળાયેલા વિશ્વનાથન આનંદે દેશના ચેસના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપેલું છે. આ ઉપરાંત આનંદના પ્રદાનને કારણે ભારતની ત્રણેક પેઢી ચેસમાં પ્રવેશી છે.
આજે વિશ્વભરમાં ચેસની રમતમાં ભારતીય ખેલાડીઓનું યોગદાન રહેલું છે અને ખેલાડીઓ આગળ આવી રહ્યા છે તે આનંદના યોગદાનને આભારી છે.
ગયા વર્ષે હંગેરીના બુડાપ્સેટ ખાતો યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત રશિયાના મહાન ચેસ ખેલાડી ગેરી કાસ્પોરોવે ભારતમાં આ રમતના વિકાસને બિરદાવ્યો હતો. તે સમયે તેમણે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન આનંદના યોગદાન અને ભારતના ચેસના વિકાસને સમકક્ષા ગણાવ્યા હતા.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SJFI) દર વર્ષે ભારતના મહાન રમતવીરોને સન્માને છે. વિશ્વનાથન આનંદ અગાઉ ફેડરેશને મહાન ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજ, પ્રકાશ પાદુકોણ, સુનીલ ગાવસ્કર, મિલ્ખાસિંઘ અને પીટી ઉષાને આ એવોર્ડથી સન્માનિત કરેલા છે.
એસજેએફઆઈની ભુવનેશ્વર ખાતે મળેલી એજીએમ દરમિયાન તેના પ્રમુખ તુષાર ત્રિવેદીના વડપણ હેઠળ આ નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન યોજાયેલી હોદ્દેદારોની ચૂંટણીમાં અમદાવાદના સાબુ ચેરિયન કારોબારી સમિતિના સદસ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા.