ચીન અને રશિયા દેશના દક્ષિણ ભાગમાં આવેલ લિથિયમ પ્રોજેક્ટ્સમાં એક ખરબ રૂપિયાથી વધુનું રોકાણ કરશે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી બેટરી માટે મહત્વપૂર્ણ ધાતુનો વિશાળ ભંડાર છે
મોસ્કો
ચીન અને રશિયાએ સાથે મળીને દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયાના સૌથી મૂલ્યવાન કુદરતી સંસાધન પર નજર ઠરાવી છે. આ નાના અમેરિકન દેશને ફસાવવા માટે, બંને મહાસત્તાઓએ 1.4 બિલીયન ડોલર કરતાં વધુનું જંગી રોકાણ કરવાનું નક્કી કર્યું છે. બોલિવિયાની સરકારે જણાવ્યું હતું કે ચીન અને રશિયા દેશના દક્ષિણ ભાગમાં આવેલ લિથિયમ પ્રોજેક્ટ્સમાં એક ખરબ રૂપિયાથી વધુનું રોકાણ કરશે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી બેટરી માટે મહત્વપૂર્ણ ધાતુનો વિશાળ ભંડાર છે.
અહેવાલ મુજબ ચીનની સરકાર સાથે ઘનિષ્ઠ રૂપથી જોડાયેલા સિટિક ગુઆન અને રશિયન સરકાર સાથે જોડાયેલ યુરેનિયમ વન ગ્રૂપ બે લિથિયમ કાર્બોનેટ પ્લાન્ટ બનાવવા માટે યાસિમિએન્ટોસ ડી લિટિયો બોલિવિયાનોસ (વાયએલબી) સાથે ભાગીદારી કરશે. બોલિવિયાના રાષ્ટ્રપતિ લુઈસ આર્સે એક જાહેર કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. નોંધનીય છે કે જેમ જેમ વિશ્વ સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે તેમ લિથિયમ ધાતુ વાહનો માટે રીન્યુએબલ એનર્જી સ્ટોરેજ સીસ્ટમ અને રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીમાં તેના ઉપયોગને કારણે વધુ મહત્વપૂર્ણ બન્યું છે. કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ત્રણેય કંપનીઓના બોલિવિયન, ચીન અને રશિયન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
જાન્યુઆરીમાં આર્સેની સરકારે બે લિથિયમ બેટરી પ્લાન્ટ બનાવવા માટે ચાઇનીઝ કન્સોર્ટિયમ કેટલ બ્રુનઅપ એન્ડ સીએમઓસી (સીબીસી) સાથે બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સીબીસીએ ઓછામાં ઓછા 1 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. સરકારી માહિતી અનુસાર, યુરેનિયમ વન ગ્રૂપ પાસ્ટોસ ગ્રાન્ડેસ સોલ્ટ ફ્લેટ્સના પ્લાન્ટમાં 578 મિલિયન ડોલરનું રોકાણ કરશે અને ચીનની સિટિક ગુઆન યુયુની સોલ્ટ ફ્લેટ્સમાં બીજા પ્લાન્ટમાં 857 મિલિયન ડોલરનું રોકાણ કરશે. હાઇડ્રોકાર્બન અને ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દરેક ફેક્ટરીમાં વાર્ષિક 25,000 મેટ્રિક ટન સુધી ઉત્પાદન કરવાની ક્ષમતા હશે’.
પ્લાન્ટનું બાંધકામ આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. બોલિવિયાએ યુયુની સોલ્ટ ક્ષેત્રમાં 21 મિલિયન ટન લિથિયમનો જથ્થો અનામત હોવાની જાણ કરી છે અને કહેવાઈ રહ્યું છે તેની પાસે લીથીયમનો સૌથી વધુ જથ્થો અનામત છે. તેની પાસે ધાતુનો વિશાળ ભંડાર હોવા છતાં બોલિવિયા તેનું માઈનિંગ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. ભૂગોળ, રાજકીય તણાવ અને ટેકનોલોજીના અભાવને કારણે આ થઇ રહ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
હાઈડ્રોકાર્બન મંત્રાલયે ગયા જાન્યુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે 2025 સુધીમાં તે 5 બિલિયન ડોલરના મૂલ્યના લિથિયમની નિકાસ કરે તેવી અપેક્ષા છે. જે કુદરતી ગેસમાંથી તેની કમાણી કરતાં વધુ હશે. જેણે 2022માં 3.4 બિલિયન ડોલરની આવક ઊભી કરી હતી. હાલ તે દેશની આવકનો મુખ્ય સ્ત્રોત છે.