મહારાષ્ટ્રમાં પવાર-શિંદે જૂથ વચ્ચે ખાતાની વહેંચણી મુદ્દે વિવાદ

Spread the love

નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નાણાં વિભાગની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માટે શિંદે જૂથ બિલકુલ તૈયાર નથી

મુંબઈ

મહારાષ્ટ્ર્માં રવિવારથી શરૂ થયેલું રાજકીય મહાયુદ્ધ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. અજિત પવારે શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ શરદ પવાર તરફથી અજિત સહિત 8 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અરજી દાખલ કરાઈ છે. ત્યારે અજિત સાથે જોડાયેલા 2 ધારાસભ્યો શરદ કેમ્પમાં પરત ફર્યા છે. આ ઘટનાક્રમ વટ્ટે શરદ પવારે સાંસદ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે, તો અજિતે પણ નવી ટીમની જાહેરાત સાથે નવા ગઠબંધનની પણ જાહેરાત કરી દીધી છે. અજિત પવારે સુનીલ તટકરેને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, તો અજિતે એનસીપી-ભાજપ-શિવસેનાના નવા ગઠબંધનનું નામ પણ મહાયુતી રાખ્યું છે. દરમિયાન આ બધી ઘટનાઓ વચ્ચે મહારાષ્ટ્ર્માં વિભાગોના વિસ્તરણને લઈ વિવાદ સામે આવ્યો છે. મળતા અહેવાલો મુજબ અજિત પવાર અને શિંદે જૂથ વચ્ચે વિભાગની વહેંચણી મુદ્દે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં મંત્રાલય વિસ્તરણને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નાણાં વિભાગની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માટે શિંદે જૂથ બિલકુલ તૈયાર નથી. અજિત પવારે નાણાં વિભાગ ઉપરાંત ઉર્જા અને સિંચાઈ વિભાગની પણ માંગ કરી છે.

નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આવતીકાલે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, તો શરદ પવાર તરફથી પણ આવતીકાલે બેઠક યોજવાની જાહેરાત કરાઈ છે. દરમિયાન અજિત પવારે તમામ એનસીપીસાંસદો, ધારાસભ્યો અને એમએલસી, જિલ્લા વડાઓ અને અન્ય સભ્યોને 5 જુલાઈએ બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક એમઈટીબાંદ્રા ખાતે યોજાશે. બીજી તરફ શરદ પવારે પણ 5 જુલાઈએ જ એનસીપીની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ધારાસભ્ય સુનીલ પ્રભુએ વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. સુનીલ પ્રભુનું કહેવું છે કે કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપવો જોઈએ.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, હજુ સુધી તેમને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની કોઈ નોટિસ મળી નથી. જો મામલો મારી પાસે આવશે તો નિયમ મુજબ કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષને વિપક્ષના નેતાની નિમણૂક કરવાનો અધિકાર છે અને અત્યાર સુધી કોઈએ દાવો કર્યો નથી.

દરમિયાન અજિત પવારે ગઈકાલે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ‘મહાયુતિ’ રાખવામાં આવ્યું છે. તો બીજીતરફ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામના પ્રશ્નના જવાબમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર – શું તમે ભૂલી ગયા છો કે, શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ અટક્યો નથી. રવિવારે મોટી ઉથલપાથલ બાદ એનસીપીના બંને જૂથ (શરદ અને અજીત) વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ શરદ પવારની એનસીપીએ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ એનસીપીપાર્ટી પર દાવો કરનારા અજિત પવાર જૂથે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે.

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલે મોટો દાવો કરતાં કહ્યું કે શરદ પવાર જૂથને 44 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલ અજિત પવાર માટે મોટા આંચકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો છોડીને ગયા હતા તે પાછા આવી ગયા છે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *