કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઉમેશ કુમારના દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ તરીકેના શપથ ગ્રહણ પર પણ 11 જુલાઈ સુધી રોક લગાવી દીધી
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાવવામાં આવેલા વટહુકમની બંધારણીયતાને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ પાઠવી છે. એટલું જ નહીં, કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઉમેશ કુમારના દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (ડીઈઆરસી)ના અધ્યક્ષ તરીકેના શપથ ગ્રહણ પર પણ 11 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે.
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલે કેન્દ્ર સરકારના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. દિલ્હી સરકારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો વટહુકમ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આપ સરકારે કેન્દ્ર સરકારના વટહુકમ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી.