ભારે હોબાળા વચ્ચે એનસીપી નેતા અજિત પવારે દક્ષિણ મુંબઈમાં આવેલી નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું
મુંબઈ
મહારાષ્ટ્રમાં રવિવારથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. રવિવારે એનસીપીપ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને 18 ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું હતું. અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા અને તેમની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી એનસીપીપર કબજો મેળવવાની લડાઈ ચાલી રહી છે. મીડિયા સાથે વાત કરતા ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે અમારા નેતા શરદ પવાર છે. આ પછી શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે અમારી સાથે કોઈ સંબંધ નથી અને મારી પરવાનગી વિના મારી તસવીરનો ઉપયોગ ન કરવાની ચેતવણી પણ આપી છે.
ભારે હોબાળા વચ્ચે એનસીપીનેતા અજિત પવારે દક્ષિણ મુંબઈમાં આવેલી નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન છગન ભુજબળ પણ તેમની સાથે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, એનસીપીમાં બળવા પછી અજિત પવાર રવિવારે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં સામેલ થયા હતા. શિંદે જૂથમાં જોડાયા બાદ અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને એનસીપીના અન્ય 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
અજિત પવારની આ નવી ઓફિસ મહારાષ્ટ્ર સરકારના મુખ્યાલયની નજીક સ્થિત હશે. તેને રાષ્ટ્રવાદી ભવન નામ આપવામાં આવ્યું છે. હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય મુંબઈના બલાડ એસ્ટેટમાં આવેલું છે. અજિત પવાર કેમ્પનો દાવો છે કે તેઓએ પક્ષને તોડ્યો નથી અને નવો જૂથ બનાવ્યો નથી, બલ્કે તેઓ પોતે જ પક્ષ છે. પરંતુ નવી ઓફિસે તેમના દાવા પર સવાલો ઉભા કર્યા છે.
સંજય રાઉતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ભાગલા માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે ભાજપ દબાણ અને દહેશતની રાજનીતિ કરી રહી છે. બધાને આ આશંકા હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં મોટો ભૂકંપ આવવાનો છે. પહેલા શિવસેનાનું વિભાજન થયું અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું. આ બધું ભાજપના કારણે થઈ રહ્યું છે. રાજ્યના લોકો ખૂબ જ નારાજ છે. મહારાષ્ટ્રના લોકો હવે અમારી સાથે છે.