ભાજપે જી કિશન રેડ્ડીને તેલંગાણાના, ડી પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના, સુનિલ જાખરને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હી
ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે.
ભાજપે જી કિશન રેડ્ડીને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ તરીકે, ડી પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભૂતપૂર્વ સીએમબાબુલાલ મરાંડીને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ, સુનિલ જાખરને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું જો કે આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખની બદલવાની જાહેરાત થઈ નથી જેથી ભાજપ આગામી લોકસભાની ચૂંટણી પ્રદેશ પ્રમુખ પાટીલના જ નેતૃત્વમાં લડશે તેવા પૂરા સંકેત છે.
આ પહેલા 28 જૂને મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરબદલની ચર્ચા કરવામાં આવી હતી.
તાજેતરમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ ભારતીય જનતા પાર્ટી પણ પોતાની ચૂંટણી પ્રબંધન સમિતિને મજબૂત બનાવવામાં વ્યસ્ત બની ગઈ હતી. ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર અટીલાની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમારની પહેલ પર પટનામાં વિપક્ષી પાર્ટીઓએ એકતા બેઠક યોજીને મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે. બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે પાર્ટી આ તમામ ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. કર્ણાટકની હાર બાદ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પોતાની રણનીતિ બનાવવાની કવાયત તેજ કરી દીધી હતી.