નવી દિલ્હી
લખનઉ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વિરાટ કોહલી સાથેના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યો છે. તેણે ગઈકાલની રાત્રે મુંબઈ સામે શાનદાર પ્રદર્શન કરીને 4 વિકેટ ઝડપી હતી, પરંતુ તેની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે બાદ ફેન્સ નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ નવીન-ઉલ-હકને ટ્રોલ કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સના ત્રણ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ‘કેરી’ સાથેની ફોટો પોસ્ટ કરી હતી. જો કે થોડા સમય બાદ આ ફોટો ડિલીટ કરી દેવામાં આવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સંદીપ વોરિયરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘કેરી’ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેની સાથે અન્ય બે ખેલાડીઓ વિષ્ણુ વિનોદ અને કુમાર કાર્તિકેય બેઠેલા જોવા મળી રહ્યા હતા. ત્રણેયની સામે ત્રણ કેરીઓ પડેલી હતી અને તમામ ખેલાડીઓ ગાંધીજીના ત્રણ વાંદરાઓ જેવા પોઝ આપતા જોવા મળી રહ્યા હતા. આ ફોટોને પોસ્ટ કરતા વોરિયરે લખ્યું- ‘ સ્વીટ સિઝન ઓફ મેંગોસ’. ફોટો વાયરલ થયા બાદ વોરિયરે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.
વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચેનો આ ઝઘડો આઈપીએલ 2023ની 43મી મેચમાં થયો હતો. મેચ પુરી થયા બાદ લખનઉના મેન્ટર ગૌતમ ગંભીરનો વિરાટ સાથે ઝઘડો પણ થયો હતો જે બાદ બીસીસીઆઈએ ત્રણેયને દંડ ફટકાર્યો હતો. આ ઝઘડા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર લખનઉની મેચની ફોટો પોસ્ટ કરી હતી, ત્યારબાદ નવીન-ઉલ-હકે પણ બેંગ્લોરની મેચની ફોટો પોસ્ટ કરતા ‘સ્વીટ મેંગો’ લખ્યું હતું.