બ્રિજ ભૂષણ સિંહે મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું, માઈક તોડી નાખ્યું
નવી દિલ્હી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા કુસ્તીબાજો સાથેના જાતીય સતામણીના આરોપોની તપાસનો સામનો કરી રહ્યા છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એવામાં બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા પત્રકાર સાથે ગેરવર્તન મામલો સામે આવ્યો છે. મહિલા પત્રકારે દાખલ થયેલી ચાર્જશીટ અંગે પ્રતિક્રિયા માંગી હતી.
આના પર બ્રિજ ભૂષણ સિંહે મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું. આ દરમિયાન તેમણે મહિલા પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. એક રાષ્ટ્રીય ટીવી ચેનલની મહિલા પત્રકારે બ્રિજ ભૂષણને યૌન ઉત્પીડન કેસને લઈને પ્રશ્નો પૂછ્યા હતા. જવાબ આપવાનો ઈન્કાર કરતાં બ્રિજ ભૂષણે કારનો દરવાજો બંધ કરી દીધો, જેનાથી માઈકને નુકસાન થયું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ બ્રિજ ભૂષણ શરણ સિંહ દિલ્હી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા. તેઓ કાર તરફ જઈ રહ્યા હતા એ સમયે મહિલા પત્રકારે તેમને યૌન શોષણના આરોપો અંગે પ્રશ્ન પૂછ્યો હતો. એક આહેવાલ મુજબ પત્રકારે પૂછ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પૂછે છે કે પાર્ટી તમને કેમ બહાર કેમ નથી કરી રહી. બ્રિજ ભૂષણ સિંહે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો ન હતો.
આ પછી જ્યારે મહિલા પત્રકારે બ્રિજ ભૂષણને તેમના રાજીનામા અંગે સવાલ કર્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા. આ પછી બ્રિજભૂષણ સિંહ પોતાની કાર તરફ જવા લાગ્યા, ત્યારે મહિલા પત્રકારે ફરી એ જ સવાલ પૂછ્યો હતો. તે પ્રશ્નનો જવાબ ન આપતા બ્રિજભૂષણ સિંહે પોતાની કારનો દરવાજો જોરથી બંધ કર્યો હતો.. આ દરમિયાન રિપોર્ટરનું માઈક વચ્ચે આવી ગયું હતું.