લોકોને જરૂર ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સલાહ, લગભગ 2 કરોડ લોકો 43 ડિગ્રી સેલ્સિયસની ગરમીનો સામનો કરી રહ્યા છે
વોશિંગ્ટન
અમેરિકાના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીની સ્થિતિ એવી છે કે, લોકોને જરૂર ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણપશ્ચિમ યુએસથી લઈને વોશિંગ્ટન રાજ્ય પણ ગરમીનો સામનો કરી રહ્યું છે.
અમરિકન હવામાન વિભાગે દેશના 11 કરોડ 30 લાખ લોકોને ‘લૂ’ ની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે.
એનડબલ્યુએસએ જણવ્યું કે, લગભગ 2 કરોડ લોકો 43 ડિગ્રી સેલ્સિયસની ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ તાપમાનનો સામનો કરવો પડી શકે છે.
ફ્લોરિડા, ટેક્સાસથી લઈને કેલિફોર્નિયા સુધી શુક્રવારે રાત્રે ‘લૂ’ ની ચેતવણી જારી કરવામાં આવી હતી. NWS એ જણાવ્યું હતું કે, શનિવાર પણ અસાધારણરૂપે ગરમ રહેશે, કેટલાક વિસ્તારોમાં દિવસના ઉચ્ચ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. આગમીના સપ્તાહ સુધી આકરો તાપ રહેવાનો અંદાજ છે.
ભીષણ ગરમીના કારણો
- હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આકરી ગરમી ઉચ્ચ દબાણના ઉપલા સ્તરના એલિવેશનનું પરિણામ છે જે સામાન્ય રીતે તેની સાથે ગરમ તાપમાન લાવે છે.
- પૂરા ક્ષેત્રમાં આ સંભવિત ઐતિહાસિક હીટવેવથી જલ્દી રાહત મળવાની સંભાવના નથી.
એનડબલ્યુએસ એ વધુમાં જણાવ્યું કે, આગામી થોડા દિવસોમાં લાસ વેગાસ તેના રેકોર્ડ ઊંચા તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ડેથ વેલી, કેલિફોર્નિયાની આકરી ગરમી 54 ડિગ્રીને વટાવી શકે છે.
બીજી તરફ એરિઝોના રાજ્યની રાજધાની ફિનિક્સ પોતાના લાંબા સમય સુધી ગરમ રહેવાના રેકોર્ડને તોડવા તરફ આગળ વધી રહી છે અને આગામી પાંચ દિવસમાં તાપમાન 43 ડિગ્રી અથવા તેનાથી વધુ સુધી પહોંચવાનું અનુમાન છે. સૌથી વધુ રેકોર્ડ 18 દિવસનો છે અને શહેરમાં 15 દિવસમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગરમીના કારણે ટેક્સાસમાં સતત બે દિવસથી વીજળીની માંગ રેકોર્ડ સંખ્યાને વટાવી ગઈ છે. ઈલેક્ટ્રિક રિલાયબિલિટી કાઉન્સિલ ઓફ ટેક્સાસ (ઈસીઆરઓટી) એ જણાવ્યું હતું કે, ગુરુવારે વીજળીનો વપરાશ રેકોર્ડ 81,406 મેગાવોટ પર પહોંચ્યો હતો.