માણિક સાહાએ જુલાઈ બાડીમાં એક સંગઠનાત્મક બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી
ત્રિપુરા
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ટીએમસીની ખૂબ ટીકા કરી હતી. સાહાએ રાજ્ય સરકારને સલાહ આપતા કહ્યું કે, તેઓ પહેલા એ શીખે કે, લોકતંત્ર શું છે અને કેવી રીતે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં આવે છે.
માણિક સાહાએ જુલાઈ બાડીમાં એક સંગઠનાત્મક બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ટીએમસી નેતાઓને પણ ત્રિપુરાની મુલાકાત લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ અહીં આવીને જોવે કે કેવી રીતે શાંતિપૂર્ણ ચૂંટણી યોજી શકાય છે.
સાહાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન લગભગ 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ ત્રિપુરામાં લોકશાહીના સાચા અર્થને સમજવા માટે અહીં આવવું જોઈએ. વધુમાં સીએમ સાહાએ કહ્યું કે, અમે ગુંડાગીરીનો આશરો લીધા વિના શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં માનીએ છીએ. સાહાએ ચૂંટણી દરમિયાન હિંસામાં ભાજપના કાર્યકરોની હત્યાની નિંદા કરી હતી.
ટીએમસી પર આરોપ લગાવતા માણિક સાહાએ કહ્યું કે, બંગાળમાં હિંસાનો ઈતિહાસ સામાન્ય લોકોને નિશાન બનાવવાથી પણ આગળ સુધી ફેલાયેલો છે. તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ હિંસામાં સામેલ છે. ભૂતકાળમાં જ્યારે તેઓએ નિર્દોષો અને અમારા પોતાના પક્ષના કાર્યકરોને નિશાન બનાવ્યા ત્યારે અમે માનવ જીવન પ્રત્યેની તેમની અવગણના જોઈ છે.
તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કેવી રીતે યોજી શકાય તે જાણવા ત્રિપુરા આવવું જોઈએ. રાજ્યની 2023ની વિધાનસભા ચૂંટણીનો હવાલો આપતા સાહાએ કહ્યું કે, ત્રિપુરાએ કોઈપણ હિંસા અને અવરોધ વિના ચૂંટણી યોજીને એક મિસાલ કાયમ કરી છે.