આપત્તિ પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને મોબાઈલ સેવાઓ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી હોવાનો મુખ્યપ્રધાનનો દાવો
સિમલા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલા પૂરમાં ફસાયેલા સ્થાનિકો અને પ્રવાસીઓને બચાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ આ અંગે આજે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 70,000 પ્રવાસીઓની બચાવ કામગીરી કરવામાં આવી છે અને લગભગ 500 પ્રવાસીઓએ પોતાના નિર્ણય અનુસાર રાજ્યમાં પાછા રહેવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાંથી 15,000 જેટલા વાહનો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે, આપત્તિ પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને મોબાઈલ સેવાઓ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બાકીના વિસ્તારોમાં વહેલી તકે આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે સફળતાપૂર્વક બચાવ કામગીરી હાથ ધરવા બદલ એનડીઆરએફ અને ભારતીય સેનાની વિવિધ એજન્સીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દુર્ઘટના ખૂબ મોટી છે અને પૂરને કારણે અંદાજે 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.