યમુનાનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે જો કે હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાયા છે
નવી દિલ્હી
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે પંજાબ અને હરિયાણામાં તારાજી સર્જાઈ છે. પંજાબમાં પૂરને કારણે લગભગ 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન થયુ છે તો બીજી તરફ હરિયાણાના 13 જિલ્લામાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. આ સિવાય દિલ્હીમાં પણ હજુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. રાહતની વાત એ છે કે હવે યમુનાનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે જો કે હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાયા છે.
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને પુરની સ્થિતિને ધ્યાને રાખીને જાહેરાત કરી છે કે 83,000 હેક્ટરથી વધુ જમીનમાં ફરીથી વાવણી કરવામાં આવશે. સીએમ માન ગઈકાલે ફિરોઝપુર અને જલંધર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે જણાવ્યું હતું કે પૂરના કારણે મકાન ધરાશાયી થવાના કિસ્સામાં, સરકાર પીડિતોને 1.25 લાખ રૂપિયા વળતર આપશે અને ઢોરના શેડ તૂટી જવાથી થયેલા નુકસાન માટે એક લાખ રૂપિયા આપશે.
દિલ્હીમાં ગઈકાલે યમુના પૂરના કારણે પૂર્વને બાકીના દિલ્હી સાથે જોડતા અનેક મહત્વપૂર્ણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે સિગ્નેચર બ્રિજ અને શાસ્ત્રી પાર્ક પરની અવરજવર બંધ રહેતા આઈટીઓ અને ગીતા કોલોની બ્રિજ બંધ કરવો પડ્યો હતો. આ સિવાય હરિયાણાના 13 જિલ્લા હજુ પણ પૂરની ઝપેટમાં છે અને 982 ગામો પાણીમાં ડૂબી ગયા છે જેમાંથી 222 ગામો પાંચ દિવસથી જિલ્લાથી સંપર્ક તુટી ગયો છે. ગઈકાલે વાયુસેનાના હેલિકોપ્ટરે દ્વરા અનેક ગામોમાં રાહત સામગ્રી પહોંચાડી હતી. આ ઉપરાંત હરિયાણા સરકારે સ્વીકાર્યું હતું કે પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે.
ભુતાનના કુરિચુ ડેમમાંથી પાણી છોડવાને કારણે આસામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. સતત વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વિશ્વનાથ, બોંગાઈગાંવ, ચિરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ, કોકરાઝાર, માજુલી, નલબારી, તામુલપુર અને તિનસુકિયામાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે.
સિક્કિમમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનથી ઉત્તર અને પૂર્વ સિક્કિમ તેમજ રાજ્યના બાકીના ભાગોમાંથી સંપર્ક તુટી ગયો હતો. આ માટે અધિકારીઓ વહેલામાં વહેલી તકે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.