એક સમયે સેન્સેક્સ તેની ઊંચાઈથી 920 અને નિફ્ટી 264 પોઈન્ટ નીચે સરકી ગયો હતો, પરંતુ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી
મુંબઈ
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો. પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંકિંગ, એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે આજે બજાર બંધ થતાં સેન્સેક્સ 440 પોઈન્ટ ઘટીને 66,266 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 118 પોઈન્ટના ઘટાડા સાથે 19,699 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે સેન્સેક્સ તેની ઊંચાઈથી 920 અને નિફ્ટી 264 પોઈન્ટ નીચે સરકી ગયો હતો. પરંતુ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી.
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મામાં 440 પોઈન્ટ અથવા 3.04 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી ફાર્માના તમામ 10 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધ્યા અને 16 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 23 વધ્યા અને 27 ઘટાડા સાથે બંધ થયા.
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 303.59 લાખ કરોડ થયું હતું, જે બુધવારે રૂ. 303.92 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 33000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
વૈશ્વિક બજારની મજબૂતીના જોરે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી સાથે શરૂઆત થઈ હતી. અમેરિકામાં ફરી એક વખત વ્યાજ દરમાં વધારા બાદ અમેરિકાના બજારમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો જેની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી. સેન્સેક્સ 207.26 પોઈન્ટ અથવા 0.31% વધીને 66,914.46 પર અને નિફ્ટી 68.00 પોઈન્ટ અથવા 0.34% વધીને 19,846.30 પર હતો. લગભગ 1604 શેર વધ્યા, 535 શેર ઘટ્યા અને 91 શેર યથાવત. નિફ્ટીમાં સિપ્લા, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હીરો મોટોકોર્પ અને એચયુએલ ઘટ્યા હતા.