સેન્સેક્સમાં 676, નિફ્ટીમાં 207 પોઈન્ટનો ઘટાડો, ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ એએએ થી ઘટાડીને એએ+ કરતા ભારત સહિત એશિયન-યુરોપિયન બજારોમાં ભારે કડાકો
મુંબઈ
ભારતીય શેર બજારમાં આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના શેરબજારો પર જોવા મળી હતી. એશિયન અને યુરોપિયન બજારોમાં ભારે ઘટાડાથી ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી.
દિવસના કારોબારમાં સેન્સેક્સ 1,000 અને નિફ્ટી 300 પોઈન્ટ તૂટ્યા હતા. સેન્સેક્સ 66,000ની નીચે સરકી ગયો. બજાર નીચલા સ્તરેથી 400 પોઈન્ટની નજીક રિકવર થયું, છતાં બીએસઈ સેન્સેક્સ 676 પોઈન્ટના ઘટાડા સાથે 65,782 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટના ઘટાડા સાથે 19,514 પોઈન્ટ પર બંધ થયો.
આજના કારોબારમાં માર્કેટમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 303.29 લાખ કરોડ પર બંધ થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 306.80 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં 3.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 1.21 ટકા, એનર્જી 1.61 ટકા, ઓટો 1.64 ટકા, આઇટી 0.81 ટકા, ફાર્મા 0.19 ટકા, મેટલ્સ 2.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીનો મિડ કેપ ઇન્ડેક્સ 1.24 ટકા અને સ્મોલ કેપ 1.73 ટકા ઘટીને બંધ થયો હતો.
ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ એએએ થી ઘટાડીને એએ+ કર્યું છે. રેટિંગ એજન્સીએ આગામી ત્રણ વર્ષ સુધી અમેરિકાની નાણાકીય સ્થિતિમાં કથળવાની આશંકા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ગવર્નન્સના ધોરણમાં ઘટાડો થયો છે, જેમાં નાણાકીય અને દેવા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. ફિચના આ નિર્ણયથી એશિયન અને યુરોપિયન શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. પિચના રેટિંગ ડાઉનગ્રેડની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે.
શેરબજારમાં આજે ચારે બાજુ લાલ નિશાન જોવા મળી રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ 1,013.22 પોઈન્ટ્સ અથવા 1.52 ટકા ઘટીને 65,446.09 ના સ્તરે પહોંચ્યો હતો. એનએસઈ નો નિફ્ટી 300.60 પોઈન્ટ અથવા 1.52 ટકાના ઘટાડા સાથે 19,432.95ના સ્તર પર આવી ગયો છે.
બુધવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડાથી ઘણી મોટી કંપનીઓના શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે. જે સ્ટોક્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો તેમાં હીરો મોટોકોર્પ લિમિટેડ (−3.86%), બજાજ ફિનસર્વ લિમિટેડ (−2.72%), ટાટા સ્ટીલ લિમિટેડ (−3.37%), એનટીપીસી લિમિટેડ (-2.64%) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (-1.20%)નો સમાવેશ થાય છે.