મારે કોઈનો બચાવ કરવાની જરૂર નથી, મને બંધારણ… તમારા અધિકારોની રક્ષા કરવાની જરૂર છે. એલઓપી વતી આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથીઃ ધનખડ
નવી દિલ્હી
રાજ્યસભા અને લોકસભામાં મણિપુર મુદ્દે હોબાળાની સ્થિતિ યથાવત્ છે. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાયા બાદ રાજ્યસભામાં મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદનની માગ સાથે વિપક્ષી દળોએ હોબાળો ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન મણિપુર મુદ્દે નિયમ 267 હેઠળ પીએમના નિવેદનની માગ કરવામાં આવી રહી હતી.
ખડગેએ કહ્યું કે તેને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવવામાં આવે. તેમણે સભાપતિને કહ્યું કે કાલે કદાચ તમે ગુસ્સે થઈ ગયા હતા. તેના પર ધનખડે કહ્યું કે હું 45 વર્ષથી વિવાહિત છું. ગુસ્સો આવતો જ નથી. વકીલ તરીકે પણ મને ગુસ્સો કરવાનો અધિકાર નથી. જવાબમાં ખડગેએ કહ્યું કે ભલે તમે જાહેર ન કરો પણ અંદરથી ગુસ્સે છો. તેના બાદ ખડગેએ કહ્યું કે તમે પીએમનો બચાવ કરી રહ્યા છો!
ધનખડે તેમને જવાબ આપતા કહ્યું કે પીએમને કોઈના બચાવની જરૂર નથી. તેમની વૈશ્વિક ઓળખ છે. એટલું વિચારો અમેરિકી સંસદમાં તેમનું સંબોધન સાંભળી દેશના લોકોને કેટલું ગર્વ થાય છે. 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતની સરકાર રચાઈ છે. તેમણે કહ્યું કે મારે કોઈનો બચાવ કરવાની જરૂર નથી. મને બંધારણ… તમારા અધિકારોની રક્ષા કરવાની જરૂર છે. એલઓપી વતી આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.